JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

યાત્રાધામ ચોટીલામાં ટ્રાફિક પોલીસ અને એસટી વિભાગનું મેગા ચેકિંગ, ૧૧ વાહનો જપ્ત

યાત્રાધામ ચોટીલામાં ટ્રાફિક પોલીસ અને એસટી વિભાગનું મેગા ચેકિંગ, ૧૧ વાહનો જપ્ત
રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં તંત્ર દ્વારા મેગા ટ્રાફિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પરમિટ ભંગ કરતા ૧૧ વાહનો જપ્ત કરવા સાથે ૨૦ વાહનચાલકો પાસેથી સ્થળ પર જ દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

સુરેન્દ્રનગર જિલ્લાના જાણીતા યાત્રાધામ ચોટીલામાં ચામુંડા માતાજીના દર્શને આવતા શ્રદ્ધાળુઓની ભારે ભીડ રહેતી હોય છે અને રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે હોવાને કારણે અહીં વાહનોની સતત અવરજવર રહે છે. લાંબા સમયથી એવી ફરિયાદો મળી રહી હતી કે અનેક ખાનગી ટ્રાવેલ્સ બસો અને ઇકો કાર્સ યોગ્ય પરમિટ વગર કે પરમિટની શરતોનું ઉલ્લંઘન કરીને ગેરકાયદેસર રીતે મુસાફરોને બેસાડીને દોડી રહી છે. આ ગેરકાયદે વાહનોના કારણે એસટી નિગમને પણ મોટું આર્થિક નુકસાન વેઠવું પડતું હતું. આ ગંભીર બાબતને ધ્યાને લઈને સુરેન્દ્રનગર જિલ્લા ટ્રાફિક પોલીસ અને રાજકોટ એસટી ડિવિઝન દ્વારા સંયુક્તપણે આક્રોશત્મક ઝુંબેશરૂપે મેગા ચેકિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સંયુક્ત ઓપરેશન દરમિયાન ટ્રાફિક પીએસઆઈ સી. એ. એરવાડીયા અને એસટી વિભાગના અધિકારી હરેશભાઈ સહિતના કાફલાએ સવારથી જ મુખ્ય માર્ગો અને હાઈવે પર ચેકપોસ્ટ ગોઠવી દીધી હતી. દરેક શંકાસ્પદ વાહનને રોકીને ડ્રાઈવિંગ લાઈસન્સ, વીમો, પીયુસી અને ખાસ કરીને પરમિટ જેવા મહત્ત્વના દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન નિયમોનો ભંગ કરતા પકડાયેલી બે ટ્રાવેલ્સ બસ અને નવ ઇકો કાર સહિત કુલ ૧૧ વાહનોને મોટર વ્હીકલ એક્ટની કલમ ૨૦૭ હેઠળ તાત્કાલિક જપ્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ગાડીઓમાં ડાર્ક ફિલ્મ લગાવનાર, નંબર પ્લેટ વગર વાહન હંકારનાર અને સીટબેલ્ટ ન બાંધનાર કુલ ૨૦ જેટલા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરીને સ્થળ પર જ દંડ ફટકારવામાં આવ્યો હતો.

પોલીસ અને એસટી તંત્રની આ અચાનક હાથ ધરેલી કડક કાર્યવાહીના કારણે ગેરકાયદે વાહનચાલકોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો અને અનેક ચાલકો રસ્તા બદલીને ભાગતા પણ નજરે પડ્યા હતા. સ્થાનિક નાગરિકો અને શ્રદ્ધાળુઓએ તંત્રની આ સરાહનીય કામગીરીને વધાવતા કહ્યું હતું કે આ પ્રકારની ડ્રાઈવથી માર્ગ અકસ્માતોમાં ઘટાડો થશે અને ગેરકાયદે પ્રવૃત્તિઓ પર અંકુશ આવશે. પ્રશાસન દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે આગામી દિવસોમાં પણ આ ચેકિંગ અભિયાન સતત ચાલુ રહેશે. સાથે જ વાહનચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને મુસાફરોને પોતાના થોડા નાણાં બચાવવા માટે અસુરક્ષિત કે ગેરકાયદે વાહનોમાં મુસાફરી ન કરવા માટે ભારપૂર્વક અપીલ કરવામાં આવી છે.

ગુજરાત વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES