જામનગર શહેરમાં વરસાદી સિઝન પૂર્ણ થયા બાદ મચ્છરજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે, જેમાં ખાસ કરીને ડેંગ્યુના કેસોમાં છેલ્લા ત્રણ મહિનાથી સતત નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ચાલુ વર્ષના જાન્યુઆરીથી અત્યાર સુધીમાં શહેરમાં ડેંગ્યુના કુલ 96 કેસ નોંધાયા છે, જેમાંથી એકલા છેલ્લા ત્રણ મહિનામાં જ 86 જેટલા કેસ સામે આવતા આરોગ્ય વિભાગ દોડતો થઈ ગયો છે. સપ્ટેમ્બર મહિનામાં ડેંગ્યુના 8 કેસ નોંધાયા હતા, જે ઓક્ટોબરમાં વધીને 35 થયા હતા અને નવેમ્બર માસમાં તો આ આંકડો વધીને 39 પર પહોંચી ગયો છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જામનગર મહાનગરપાલિકાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો. એમ.એચ. ગોરીના માર્ગદર્શન હેઠળ શહેરમાં રોગચાળાને ડામવા માટે વ્યાપક સ્તરે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે.
રોગચાળાને કાબૂમાં લેવા માટે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ અને શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની ટીમો દ્વારા સંયુક્ત રીતે શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે. આરોગ્ય કર્મીઓ દ્વારા ઘરે-ઘરે જઈને પાણી ભરેલા ખુલ્લા પાત્રો, ટાંકીઓ અને કુંડીઓની ચકાસણી કરવામાં આવી રહી છે જ્યાં મચ્છરના પોરા મળતા તેનો નાશ કરવા માટે પોરાનાશક દવાનો છંટકાવ કરાઈ રહ્યો છે. આ ઉપરાંત નાગરિકોને જરૂરી દવાઓ અને આરોગ્યપ્રદ ગોળીઓનું વિતરણ કરવાની સાથેસાથે સંવેદનશીલ વિસ્તારોમાં ફોગિંગની વિશેષ કામગીરી પણ કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના ઘરોની આસપાસ પાણી જમા ન થવા દે, પાણીના પાત્રો ઢાંકીને રાખે અને કુલરની નિયમિત સફાઈ કરીને તકેદારી રાખે.
બીજી તરફ, નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં અટકાવવા માટે મહાનગરપાલિકાની ફૂડ શાખા પણ સક્રિય બની છે અને તીનબત્તી, કાલાવડ નાકા તથા હર્ષદ મિલની ચાલી સહિતના વિસ્તારોમાં આવેલ ૧૫ જેટલા ખાણીપીણીના એકમોમાં અચાનક તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન નોનવેજ રેસ્ટોરન્ટ્સ અને ફૂડ ઝોનમાં અસ્વચ્છતા તેમજ બિનઆરોગ્યપ્રદ સ્થિતિ જોવા મળતા ફૂડ સેફટીના નિયમોના ભંગ બદલ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. અધિકારીઓએ અંદાજે ૧૬ કિલો જેટલો વાસી અને અખાદ્ય ખોરાક જપ્ત કરીને સ્થળ પર જ તેનો નાશ કર્યો હતો તેમજ કેટલાક એકમોને નોટિસ ફટકારી વેચાણ બંધ કરાવ્યું હતું. આ ઉપરાંત ખાદ્યપદાર્થોના સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે, જેથી શહેરીજનોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખોરાક મળી રહે તે સુનિશ્ચિત કરી શકાય.
