કચ્છના વિરાટ નાના રણમાં આવેલા અનન્ય ઘુડખર અભયારણ્યની પર્યાવરણીય સુરક્ષાને લઈને હાલમાં અત્યંત ગંભીર સવાલો ઊભા થયા છે. NGT સમક્ષ રજૂ થયેલા સેટેલાઇટ આધારિત મૂલ્યાંકનમાં વર્ષ 1985 અને વર્ષ 2022ની તસવીરોની તુલના કરવામાં આવી છે, જે ચોંકાવનારા ખુલાસા કરે છે. આ સરખામણી દર્શાવે છે કે જમીનના ઉપયોગમાં મોટાપાયે ફેરફારો થયા છે, મીઠાના અગરોનું અવિરત વિસ્તરણ વધી રહ્યું છે અને તેના કારણે કુદરતી જળપ્રવાહમાં પણ ગંભીર અવરોધો ઉભા થયા છે. આ ઉપરાંત, અભયારણ્યની અત્યંત નજીક ધમધમી રહેલા કેમિકલ પ્લાન્ટ્સ અને તેની પ્રવૃત્તિઓ અંગે પણ પર્યાવરણવિદો દ્વારા ઊંડી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ સમગ્ર સ્થિતિ વચ્ચે વન વિભાગ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) ની ભૂમિકા અને પારદર્શિતા સામે પણ સવાલોનો દોર શરૂ થયો છે. અભયારણ્યની આસપાસ આખરે કેટલી કેમિકલ ફેક્ટરીઓ ગેરકાયદે કે કાયદેસર રીતે કાર્યરત છે, તેમને કયા આધારે મંજૂરીઓ આપવામાં આવી છે અને આ ઉદ્યોગો અભયારણ્યની હદથી કેટલા મીટરના અંતરે આવેલા છે તે તમામ વિગતો વન વિભાગે સત્તાવાર રીતે દસ્તાવેજો સાથે જાહેર કરવી અનિવાર્ય છે. આ ફેક્ટરીઓની સતત ચાલતી પ્રવૃત્તિઓના કારણે જમીન, ભૂગર્ભ જળ તેમજ મૂલ્યવાન વન્યજીવોના કુદરતી રહેઠાણ પર જે વિપરીત અસરો પડી રહી છે તેની ત્વરિત અને વૈજ્ઞાનિક ઢંગે તપાસ થવી સમયની માંગ છે.
હવે સમય આવી ગયો છે કે માત્ર કાગળ પરની વાતો કે અહેવાલોથી આગળ વધીને પ્રિન્સિપલ ચીફ ક્નઝર્વેટર ઑફ ફોરેસ્ટ, ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન અને GPCB સંયુક્ત રીતે સ્થળ પર જઈને ગ્રાઉન્ડ રિયાલિટી તપાસે. જો તમામ ઉદ્યોગો નિયમો અનુસાર જ ચાલતા હોય તો તેના નક્કર પુરાવા રજૂ કરવા જોઈએ અને જો કોઈ પણ પ્રકારનો નિયમભંગ કે પર્યાવરણને નુકસાન જણાતું હોય, તો જવાબદાર ઉદ્યોગો સામે કોઈ પણ પ્રકારની શેહશરમ વગર કડક કાનૂની કાર્યવાહી થવી જ જોઈએ. ઘુડખર અભયારણ્યનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે તંત્રએ હવે મૌન તોડીને જમીન પર સચોટ પરિણામો દર્શાવવા પડશે.
