નવી દિલ્હીમાં સંસદના આગામી વિશેષ સત્રની જાહેરાત સાથે જ મહિલા અનામત બિલના મુદ્દે શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસ પાર્ટીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદનો પર તીખી પ્રતિક્રિયા આપતા ભાજપ ઉપર 'સ્મૃતિલોપ'થી પીડાતા હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે સોશિયલ મીડિયા પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર ૨૦૨૩માં જ સંસદના બંને ગૃહો દ્વારા બંધારણીય (૧૦૬મો સુધારો) અધિનિયમ પસાર કરવામાં આવ્યો હોવા છતાં સરકાર તેનો અમલ કરવામાં જાણી જોઈને વિલંબ કરી રહી છે. કોંગ્રેસે સ્પષ્ટ કર્યું કે તે હંમેશા મહિલા અનામતના સમર્થનમાં રહી છે અને તાત્કાલિક ધોરણે આ કાયદો લાગુ કરવાની માંગણી કરે છે.
આ વિવાદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ જૈરામ રમેશે પણ ઝંપલાવ્યું છે અને વડાપ્રધાન તેમજ ગૃહમંત્રીની જોડી પર જનતાને ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ કર્યો છે. તેમણે દાવો કર્યો હતો કે આગામી વિશેષ સત્રનો વાસ્તવિક એજન્ડા મહિલા અનામતનો નહીં પરંતુ સીમાંકનનો છે, કારણ કે મહિલા અનામતનો કાયદો પહેલેથી જ અસ્તિત્વમાં છે જેને સરકારે છેલ્લા ત્રણ વર્ષથી કોલ્ડ સ્ટોરેજમાં મૂકી દીધો છે. બીજી બાજુ, ગૃહમંત્રી અમિત શાહે દેશની લોકસભા અને વિધાનસભામાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામત લાગુ કરવા માટે સરકારની પ્રતિબદ્ધતા દોહરાવી છે. તેમણે વિપક્ષી નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ મહિલાઓને તેમનો હક મેળવતા અટકાવી શકે તેમ નથી.
મહિલા અનામત બિલનો ઇતિહાસ જોઈએ તો સપ્ટેમ્બર ૨૦૨૩માં તે સંસદમાં પસાર થયો હતો, પરંતુ તેના અમલીકરણને પ્રથમ વસ્તી ગણતરી અને ત્યારબાદની સીમાંકન પ્રક્રિયા સાથે જોડવામાં આવ્યું હતું. અગાઉ એપ્રિલ ૨૦૨૬માં સરકારે ૨૦૨૯ની ચૂંટણી પહેલા ક્વોટા લાગુ કરવા માટે લોકસભાની બેઠકો વધારવા અને સીમાંકન સંબંધિત ફ્રેમવર્ક લાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે લોકસભામાં જરૂરી બહુમતી મેળવી શક્યો ન હતો. હવે આઠ મહિના બાદ સરકાર આગામી સંસદ સત્રમાં આ પ્રસ્તાવોને ફરીથી જીવંત કરવાની તૈયારી કરી રહી છે, ત્યારે વિરોધ પક્ષો દ્વારા તેના પર ઊભા થતા સવાલોથી રાજકીય ગરમાવો વધી ગયો છે.
