મૂળ કેરળના વતની અને સમગ્ર દેશમાં 'AI Kid of India' તરીકે લોકપ્રિય બનેલા રાહુલ જ્હોન અજુએ તાજેતરમાં મોસ્કો ખાતે આયોજિત પ્રતિષ્ઠિત 'AI Journey 2026' કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. આ વૈશ્વિક પરિષદ દરમિયાન રાહુલે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરીને સોશિયલ મીડિયા પર એક યાદગાર સેલ્ફી શેર કરી હતી. સોશિયલ મીડિયા પર પોતાની લાગણી વ્યક્ત કરતા રાહુલે જણાવ્યું હતું કે, જ્યારે તેણે ૯ વર્ષની નાની વયે બાથરૂમમાં પોતાનો પહેલો વીડિયો બનાવ્યો હતો, ત્યારે તેણે ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહોતું કે તેનું જીવન તેને આટલી ઊંચાઈએ લઈ જશે.
રાહુલની આ અદ્ભુત સફર માત્ર નવ વર્ષની વયે કન્ટેન્ટ ક્રિએશનથી શરૂ થઈ હતી અને ટેક્નોલોજી પ્રત્યેના ગાઢ લગાવને કારણે તેણે માત્ર ૧૨ વર્ષની નાની વયે એક હ્યુમેનોઈડ રોબોટ વિકસાવીને સૌને ચોંકાવી દીધા હતા. ટેકનોલોજીની દુનિયામાં અદ્ભુત પ્રતિભા દાખવનાર રાહુલે માત્ર ૧૬ વર્ષની ઉંમરે 'AI Realm Technologies' નામની પોતાની કંપનીની સ્થાપના કરીને એક યુવા ઉદ્યોગસાહસિક તરીકે પણ પોતાની ઓળખ બનાવી છે. મોસ્કોની આ કોન્ફરન્સમાં દુનિયાભરના દિગ્ગજ અને અત્યંત બુદ્ધિશાળી વ્યાવસાયિકોને મળ્યા પછી તેને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રની અપાર સંભાવનાઓ અને નવું શીખવાની તકો વિશે વધુ ઊંડો દ્રષ્ટિકોણ મળ્યો છે.
આ સિદ્ધિઓ પાછળ પોતાના માતા-પિતા, મિત્રો અને કોન્ફરન્સના આયોજકોનો આભાર માનતા રાહુલે જણાવ્યું કે આ સફરે તેને માત્ર નામના જ નથી અપાવી પરંતુ એક વ્યક્તિ તરીકે વધુ મજબૂત અને સમજદાર બનાવ્યો છે. ભલે આજે તે વૈશ્વિક સ્તરે એક સફળ યુવા ઉદ્યોગસાહસિક અને ડેવલપર તરીકે ઉભરી આવ્યો હોય, પરંતુ તેનું હૃદય હજુ પણ ટેક્નોલોજી વિશે વધુમાં વધુ જાણવા માટે ઉત્સુક એક નાની ઉંમરનું બાળક જ છે. રાહુલે પોતાની આ પ્રેરણાદાયી સફર દ્વારા સાબિત કરી દીધું છે કે જો મનમાં દ્રઢ નિશ્ચય અને કંઈક નવું કરી છૂટવાની તીવ્ર જિજ્ઞાસા હોય, તો નાની વયે પણ મોટા લક્ષ્યો સર કરી શકાય છે.
