JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
વાયરલ

ભેંસ પર સવાર 'દેશી બેટમેન'નો ઇન્ટરનેટ પર તહેલકો: IIMના પૂર્વ વિદ્યાર્થીની AI ક્રિએટીવિટીએ વટાવ્યા 15 કરોડ વ્યૂઝ

ભેંસ પર સવાર 'દેશી બેટમેન'નો ઇન્ટરનેટ પર તહેલકો: IIMના પૂર્વ વિદ્યાર્થીની AI ક્રિએટીવિટીએ વટાવ્યા 15 કરોડ વ્યૂઝ
હોલીવુડના સુપરહીરો બેટમેનને ભારતીય ગ્રામીણ માહોલમાં ભેંસ પર સવારી કરાવીને જોકરનો પીછો કરતા દર્શાવતી 'દેશી બેટમેન' સીરિઝે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. IIM રાંચીના ભૂતપૂર્વ વિદ્યાર્થી સુજલ જયસ્વારની આ અદભુત AI સર્જનાત્મકતાએ માત્ર થોડા જ સમયમાં ૧૫ કરોડથી વધુ વ્યૂઝનો આંકડો વટાવી લીધો છે.

નવેમ્બર ૨૦૨૬માં શરૂ થયેલી 'દેશી બેટમેન' સીરિઝના અત્યાર સુધીમાં ૯ થી વધુ એપિસોડ રિલીઝ થઈ ચૂક્યા છે, જેમાં ગોથમ સિટીની જગ્યાએ ભારતની ચાની કીટલીઓ, ધૂળિયા રસ્તાઓ અને રેલવે ટ્રેક જેવા વાસ્તવિક દશ્યો જોવા મળે છે. અહીં બેટમેન લુંગી-ધોતી પહેરીને મોંઘી બેટમોબાઈલને બદલે ભેંસ પર સવારી કરીને જેને ચાહકો 'ભેંસમોબાઈલ' કહે છે, તેના દ્વારા વિલન જોકર અને સ્કેરક્રોનો પીછો કરે છે. આ વીડિયોમાં માત્ર એક્શન જ નહીં પરંતુ ૯૦ના દશકાના સુપરહિટ રોમેન્ટિક ગીતો જેવા કે 'સાજન-સાજન તેરી દુલ્હન' અને કિશોર કુમાર તથા આશા ભોંસલેના ક્લાસિક મ્યુઝિકનો અનોખો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનાથી ગંભીર એક્શન અને રોમાન્સનો જબરદસ્ત વિરોધાભાસ ઊભો થઈને અદભુત કોમેડી સર્જાય છે. ખુદ એમેઝોન મ્યુઝિક ઈન્ડિયાએ પણ આ ટ્રેન્ડની પ્રશંસા કરી છે.

ટેકનિકલ દષ્ટિએ આ વીડિયો પાછળ માત્ર એક લાઈનનો પ્રોમ્પ્ટ નથી, પરંતુ મહારાષ્ટ્રના વતની અને બેંગલુરુમાં રહેતા ફિલ્મમેકર સુજલ જયસ્વારે વાસ્તવિક લોકેશન પર લાઈવ-એક્શન ફૂટેજ શૂટ કર્યા છે. ત્યારબાદ તેમાં હોલીવુડ જેવો સિનેમેટિક લુક લાવવા માટે હિગ્સફિલ્ડ AI સિનેમા સ્ટુડિયો, ગૂગલ વીઓ અને રનવે જેવા અદભુત જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ્સની મદદથી VFX, કમ્પોઝિટિંગ અને સાઉન્ડ ડિઝાઇનનું ઝીણવટભર્યું કામ કર્યું છે. પીએફ કાળથી જ ફિલ્મ નિર્માણમાં રસ ધરાવતા અને IIM કલકત્તા તથા લખનૌની પ્રતિયોગિતાઓમાં વિજેતા બનેલા સુજલે સાબિત કરી દીધું છે કે કેવી રીતે ઉત્તમ સ્ક્રિપ્ટ અને આધુનિક ટેક્નોલોજીના સમન્વયથી ઓછા બજેટમાં પણ વૈશ્વિક સ્તરે ધ્યાન ખેંચી શકાય છે.

આ અનોખા પ્રયોગને દર્શકો તરફથી અપાર પ્રેમ મળ્યો છે અને માત્ર બે અઠવાડિયામાં જ આ સીરિઝે ૨.૫ કરોડ વ્યૂઝ પાર કરી લીધા હતા. ઈન્સ્ટાગ્રામ પર ૬ લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતા સુજલના આ કામની નોંધ હવે બોલિવૂડના દિગ્દર્શક આદિત્ય ધર જેવા દિગ્ગજો પણ લઈ રહ્યા છે. 'દેશી બેટમેન' ઉપરાંત તેમણે ટીવી શો 'CID' ના પાત્રોને જાપાનીઝ એનિમે સ્ટાઈલમાં રજૂ કરતી સીરિઝ પણ બનાવી છે. દર્શકો આ ઓછા બજેટના દેશી પ્રયોગની સરખામણી કલ્ટ પેરોડી ફિલ્મ 'શોલે ઓફ માલેગાંવ' સાથે કરી રહ્યા છે, જે સ્પષ્ટ કરે છે કે મજબૂત વિચાર અને વાર્તા કહેવાની કળા હોય તો સફળતા ચોક્કસ મળે છે.

વાયરલ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES