વડોદરા જિલ્લાના જરોદ પોલીસ સ્ટેશનની હદમાં ગુજરાત એટીએસ (Anti-Terrorist Squad) દ્વારા એક અત્યંત સંવેદનશીલ અને સફળ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. એટીએસની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે જરોદ બસ સ્ટેશન નજીક વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન શંકાસ્પદ જણાતી એક ચાલુ ગાડીને એટીએસના કાફલાએ ફિલ્મીઢબે ફિલ્મી અંદાજમાં આંતરીને ડ્રાઇવરને કોર્ડન કરી લીધો હતો. ગાડીની તલસ્પર્શી તપાસ કરવામાં આવતા સુરક્ષા એજન્સીઓના પણ હોશ ઉડી ગયા હતા, કારણ કે વાહનમાંથી અત્યંત ઘાતક ગણાય એવી એસસોલ્ટ રાઈફલ મળી આવી હતી.
ઝડપાયેલા આરોપીની પ્રાથમિક પૂછપરછ અને ઓળખ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ શખ્સ મૂળ આસામનો રહેવાસી હોવાનું ખુલ્યું છે અને તપાસમાં તે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલો હોવાના પુરાવા સાંપડ્યા છે. એટીએસની ટીમે તેની પાસેથી એકે-૪૭ રાઈફલ ઉપરાંત ૨૩ નંગ જીવતા કારતૂસ પણ કબ્જે કર્યા છે. આટલા મોટા પ્રમાણમાં અત્યાધુનિક હથિયારો સાથે રાજ્યમાં કોઈ શખ્સનું પકડાવું તે સુરક્ષા એજન્સીઓ માટે એક મોટો સંકેત છે અને તેના કારણે સમગ્ર રાજ્યમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
હાલ ગુજરાત એટીએસ દ્વારા પકડાયેલા આરોપીને અજ્ઞાત સ્થળે ખસેડીને કડક પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ ઘાતક હથિયારો તેણે ક્યાંથી અને કેવી રીતે મેળવ્યા હતા તેમજ ગુજરાત કે અન્ય કોઈ રાજ્યમાં આ શસ્ત્રો કોને પહોંચાડવાના હતા અથવા કયા મોટા ગુનાહિત કે આતંકી કાવતરાને અંજામ આપવાનો પ્લાન હતો તે તમામ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ ઓપરેશન બાદ રાજ્યભરમાં પોલીસ અને સુરક્ષા એજન્સીઓને વધુ એલર્ટ કરી દેવામાં આવી છે તથા સરહદો અને સંવેદનશીલ વિસ્તારોમાં ચેકિંગ વધારી દેવાયું છે.
