અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત ગણાતા એસ.જી. હાઈવે પરના પકવાન ચાર રસ્તા પર ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા ગુરુવારે સવારથી એક નવો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. આ સિસ્ટમ હેઠળ સિગ્નલ નાબૂદ કરીને વાહનચાલકોએ સીધા ટર્ન લેવાને બદલે જંક્શનથી ૧૦૦ થી ૧૫0 મીટર આગળ જઈને પકવાન ફ્લાયઓવર નીચેથી યુ-ટર્ન લેવાનો હતો, જેથી ૧ લાખથી વધુ વાહનો ધરાવતા આ માર્ગ પર રાહ જોવાનો સમય ૧૫૩ સેકન્ડથી ઘટાડીને માત્ર ૪૦ સેકન્ડ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. જો કે, આ નવતર પ્રયોગનું પરિણામ ધારણાથી તદ્દન વિપરીત આવ્યું અને દિવસભર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.
અમલીકરણના પહેલા જ દિવસે સવારથી જ આ રૂટ પર ભારે ટ્રાફિકજામ જોવા મળ્યો હતો, જે રાત્રે ૧૦:૪૫ વાગ્યા સુધી યથાવત રહેતા આખરે તંત્રએ આ સિસ્ટમ પાછી ખેંચી લેવાની ફરજ પડી હતી. સાંજના સમયે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો કાફલો આ માર્ગ પરથી પસાર થવાને કારણે સ્થિતિ વધુ વણસી હતી અને ડીસીપી તેમજ પીઆઈ કક્ષાના અધિકારીઓએ સ્થળ પર જઈને ભારે જહેમત બાદ ટ્રાફિક હળવો કરવો પડ્યો હતો. જો આ પ્રયોગ સફળ રહેત તો વૈષ્ણોદેવી સર્કલ, સોલા ભાગવત અને સનાથલ સર્કલ પર પણ આવી જ પદ્ધતિ લાગુ કરવાની ટ્રાફિક વિભાગની યોજના હતી, પરંતુ પકવાન ચાર રસ્તા પરના અનુભવે અધિકારીઓની આ યોજના પર પાણી ફેરવી દીધું છે.
વાહનચાલકો અને દૈનિક મુસાફરોએ આ નવી વ્યવસ્થા સામે રોષ અને અસમંજસ વ્યક્ત કર્યો હતો કારણ કે વાહનોની અનિયમિત ગતિ અને ત્રિકોણાકાર ડિવાઇડરને કારણે માત્ર એક જ વાહન પસાર થઈ શકે તેવી જગ્યા હોવાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. સેલ્સ એજ્યુકેટિવ નિખિલ ઇંગ્લેના જણાવ્યા અનુસાર, જજ બંગલો રોડ પરથી પૂરઝડપે આવતી ગાડીઓ ઇસ્કોન તરફ જતા રસ્તા પર સીધી આવતી હોવાથી અકસ્માતનો ભય રહેતો હતો. અમુક નાગરિકોનું એવું પણ માનવું છે કે માત્ર સિસ્ટમ બદલવાથી નહીં પરંતુ વાહનચાલકોમાં નાગરિક સમજ અને ધૈર્ય કેળવાય તો જ આ પ્રકારના પ્રયોગો સફળ થઈ શકે છે.
