JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

દિલ્હી ક્રાઈમ બ્રાન્ચનો મોટો પર્દાફાશ: સાયબર સ્લેવરી રેકેટમાંથી ૧૬૪ વિદેશી નાગરિકો મુક્ત, એકની ધરપકડ

દિલ્હી ક્રાઈમ બ્રાન્ચનો મોટો પર્દાફાશ: સાયબર સ્લેવરી રેકેટમાંથી ૧૬૪ વિદેશી નાગરિકો મુક્ત, એકની ધરપકડ
દિલ્હીના દ્વારકા વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરી અને સાયબર ફ્રોડના મોટા રેકેટનો પર્દાફાશ કરીને પોલીસે ઇન્ડોનેશિયા અને મલેશિયાના ૧૬૪ નાગરિકોને સાયબર ગુલામીમાંથી મુક્ત કરાવ્યા છે. આ મામલે પોલીસે મલેશિયન નાગરિકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે દક્ષિણ-પશ્ચિમ દિલ્હીના દ્વારકા વિસ્તારમાં એક ચોંકાવનારી કાર્યવાહી કરી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા માનવ તસ્કરી અને સાયબર ફ્રોડના આ નેટવર્કમાં ફસાયેલા ઇન્ડોનેશિયાના ૯૨ અને મલેશિયાના ૭૨ એમ કુલ ૧૬૪ વિદેશી નાગરિકોને 'સાયબર સ્લેવરી' (સાયબર ગુલામી)માંથી સફળતાપૂર્વક મુક્ત કરવામાં આવ્યા છે. આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા ૨૫ વર્ષીય મલેશિયન નાગરિક ટાન ગુઆન વેઈની પોલીસે ધરપકડ કરી છે. આ વિદેશી નાગરિકોને ભારતમાં આકર્ષક નોકરીઓ અને ઊંચા પગારની લાલચ આપીને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ ભારતમાં પગ મૂકતાની સાથે જ તેમનો અસલી સંઘર્ષ શરૂ થઈ ગયો હતો.

આરોપીઓ દ્વારા ભારત આવતાની સાથે જ આ વિદેશી નાગરિકોના પાસપોર્ટ જપ્ત કરી લેવામાં આવતા હતા, જેથી તેઓ પોતાની મરજીથી ક્યાંય જઈ ન શકે. તેમને પેઈંગ ગેસ્ટ (PG) આવાસમાં રાખવામાં આવતા હતા જ્યાં તેમને હલકી કક્ષાનું ભોજન અપાતું હતું અને જો કોઈ કામ કરવાનો ઇનકાર કરે તો તેને શારીરિક માર પણ મારવામાં આવતો હતો. આ પીડિતો પાસે ખાસ તૈયાર કરાયેલી સ્ક્રિપ્ટના આધારે તેમના જ દેશના નાગરિકોને ખોટી ઇન્વેસ્ટમેન્ટ સ્કીમોમાં ફસાવીને છેતરપિંડી કરાવવામાં આવતી હતી. આ સિન્ડિકેટ નકલી સોશિયલ મીડિયા પ્રોફાઇલ અને મહિલાઓના નામના ખોટા એકાઉન્ટ બનાવીને લોકોને વિશ્વાસમાં લેતું હતું અને બાદમાં નકલી ટ્રેડિંગ પ્લેટફોર્મ પર રોકાણ કરવા મજબૂર કરતું હતું.

આ રેકેટનો ભાંડો ફોડવા માટે દિલ્હી પોલીસને એક અઠવાડિયા પહેલા ઈમેલ દ્વારા ગુપ્ત માહિતી મળી હતી, જેના આધારે ક્રાઈમ બ્રાન્ચે આ સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. પોલીસે ઘટનાસ્થળેથી ૩૫૫ મોબાઇલ ફોન, ૧૬૮ ડેસ્કટોપ કમ્પ્યુટર, ૨૬ લેપટોપ, ૫૩ સિમ કાર્ડ અને ૧૭૪ પાસપોર્ટ સહિત મોટા પ્રમાણમાં ડિજિટલ ઉપકરણો જપ્ત કર્યા છે. પ્રાથમિક તપાસમાં સુનીલ કુમાર અને સુશીલ ભાટી નામના બે મુખ્ય શખ્સોના નામ સામે આવ્યા છે જેઓ PG અને વાહનોની વ્યવસ્થા કરતા હતા, જે હાલ ફરાર છે. પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધીને આંતરરાષ્ટ્રીય નેટવર્કના અન્ય સાગરીતો અને નાણાકીય વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

ક્રાઈમ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES