સુરતના લજપોર ગામની રહેવાસી અને ૧૭ વર્ષીય ઇરફત ઝાહિદ અન્સારી ગત રવિવારથી અચાનક રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગઈ હતી. પરિવારજનો દ્વારા તેની ભારે શોધખોળ કરવામાં આવી રહી હતી પરંતુ કોઈ પત્તો લાગ્યો નહોતો. દરમિયાન, ગુરુવારે સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી પસાર થતી કોયલી ખાડીમાં કંસાદ ગામ નજીક પાણીમાં એક યુવતીનો મૃતદેહ તતરતો હોવાની માહિતી સ્થાનિકો દ્વારા પોલીસને આપવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચીને પોલીસે તપાસ કરતા મૃતક યુવતીની ઓળખ ગુમ થયેલી ઇરફત તરીકે થઈ હતી.
મળતી માહિતી મુજબ, ઇરફત તેના પરિવાર સાથે સુરતમાં માતા અને ભાઈ-બહેનો સાથે રહેતી હતી, જ્યારે તેના પિતા રોજીરોટી માટે દુબઈમાં નોકરી કરે છે. યુવતીના અચાનક ગુમ થવા અને ત્યારબાદ આ પ્રકારે ખાડીમાંથી મૃતદેહ મળી આવવાના કારણે અનેક પ્રકારની ચર્ચાઓ વહેતી થઈ છે. પરિજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે અને દીકરીના મોતમાં કોઈ રહસ્ય છુપાયેલું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે આ માંભલે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.
પોલીસ અધિકારીઓનું કહેવું છે કે યુવતીના મોતનું સાચું કારણ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. મોત પાછળના વાસ્તવિક કારણો જાણવા માટે પોલીસે ડાયાટમ ટેસ્ટ (Diatom test) અને કેમિકલ એનાલિસિસના રિપોર્ટની રાહ જોવાનું ટાળ્યું નથી. આ રિપોર્ટ આવ્યા બાદ જ મોત પાણીમાં ડૂબવાથી થયું છે કે પછી તેની પાછળ કોઈ અન્ય ગુનાહિત કૃત્ય છે તેનો ખુલાસો થશે. હાલ પોલીસે અકુદરતી મોતના આ મામલાની ગંભીરતાથી નોંધીને વિવિધ પાસાઓ પર ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.
