અમદાવાદના વધારાના મુખ્ય મ્યુનિસિપલ મેજિસ્ટ્રેટ તરીકે સેવા આપી ચૂકેલા રાજેશકુમાર ઓઝા સપ્ટેમ્બર ૨૦૨૩થી રહસ્યમય સંજોગોમાં ગુમ થયા છે. આ ગંભીર મામલે તેમની પુત્રીએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં જાણ કરવા છતાં પોલીસે એફઆઈઆર નોંધવાને બદલે માત્ર 'મિસિંગ કમ્પ્લેઈન્ટ' એટલે કે જોગ એન્ટ્રી કરીને સંતોષ માન્યો હતો અને બાદમાં ગુમ વ્યક્તિનું પ્રમાણપત્ર આપી દીધું હતું. પરિણામે, નિવૃત્ત ન્યાયાધીશની એકમાત્ર પુત્રીને પોતાના પિતાની શોધખોળ કરવા ઉપરાંત પારિવારિક પેન્શન મેળવવા માટે પણ કાનૂની લડત લડવાની ફરજ પડી હતી.
આ મામલે પુત્રીએ હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરતા જસ્ટિસ ભર્ગવ કારિયા અને જસ્ટિસ હેમંત પ્રચ્છકની ખંડપીઠે સરકારી વકીલને આડેહાથ લીધા હતા. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં સવાલ કર્યો હતો કે જો એક નિવૃત્ત ન્યાયાધીશના કિસ્સામાં આ પ્રકારની બેદરકારી દાખવવામાં આવતી હોય, તો સામાન્ય નાગરિકોની સ્થિતિ શું થતી હશે? ન્યાયાધીશોએ પોલીસ વિભાગની સંવેદનશૂન્યતા પર આશ્ચર્ય વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ત્રણ વર્ષ વીતી જવા છતાં માત્ર ડાયરીમાં એન્ટ્રી કરીને બેસી રહેવું એ પોલીસની ગંભીર નિષ્કાળજી દર્શાવે છે.
સુનાવણી દરમિયાન કોર્ટે પોલીસના વલણ સામે નારાજગી વ્યક્ત કરતા વિભાગના જવાબદાર ઉચ્ચ અધિકારીને શુક્રવારે રૂબરૂ હાજર રહીને સ્પષ્ટતા કરવા આદેશ કર્યો છે. અરજદારના વકીલે આશંકા વ્યક્ત કરી છે કે પત્નીના અવસાન બાદ માનસિક તણાવમાં રહેલા નિવૃત્ત ન્યાયાધીશના ગુમ થવા પાછળ કોઈ અપહરણ કે અઘટિત ઘટના પણ હોઈ શકે છે, તેથી એસઆઈટી અથવા સીઆઈડી દ્વારા ઊંડાણપૂર્વક તપાસ થવી જરૂરી છે. હાઇકોર્ટે આ મામલે કડક વલણ અપનાવતા જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય આદેશો આપવાની ચીમકી ઉચ્ચારી છે.
