દાહોદ જિલ્લામાં સરકારી યોજનાઓના અમલીકરણમાં ચાલતી લાપરવાહી અને ભ્રષ્ટાચારને ડામવા માટે વહીવટી તંત્ર હવે એક્શન મોડમાં આવી ગયું છે. મનરેગા યોજના અંતર્ગત થયેલા કાર્યોમાં ભારે ગેરરીતિઓની ફરિયાદો ઉઠતા તંત્રએ ગંભીર નોંધ લીધી હતી. આ તપાસના ઘેરાવામાં દેવગઢ બારિયા તાલુકાની રેઢાણા ગ્રામ પંચાયત તેમજ ધાનપુર તાલુકાની સીમામોઈ અને ભાણપુર ગ્રામ પંચાયતના કુલ ૧૦૬ જેટલા વિકાસકામોને આવરી લેવામાં આવ્યા હતા. જેમાં રેઢાણાના ૩૯, સીમામોઈના ૪૮ અને ભાણપુરના ૧૯ કામોનો સમાવેશ થાય છે. આ તમામ કાર્યોની કાગળ પરની વિગતો અને જમીની વાસ્તવિકતા વચ્ચે મોટો તફાવત જોવા મળ્યો હતો, જેણે સમગ્ર વહીવટી તંત્રમાં હડકંપ મચાવી દીધો છે.
તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે મંજૂર થયેલાં કાર્યો અને સ્થળ પરની પરિસ્થિતિમાં જમીન-આસમાનનો ફેર છે. અનેક જગ્યાએ કામો અધૂરા મૂકવામાં આવ્યા હતા તો ક્યાંક મસ્ટરરોલ અને માપણીમાં મોટી ગેરરીતિઓ આચરવામાં આવી હોવાનું પૂરવાર થયું હતું. નાણાકીય વ્યવહારોમાં પણ લોલલોલ ચાલી રહ્યો હોવાની પોલ ખૂલ્યા બાદ સંબંધિત ત્રણ સરપંચો સામે હોદ્દા પરથી દૂર કરવાની કડક દાખલરૂપ કાર્યવાહી કરવામાં આવી છે. કાગળ પર માત્ર વિકાસના આંકડા દર્શાવીને ગરીબો અને શ્રમિકોના હકના નાણાં કેવી રીતે વેડફવામાં આવે છે તેની ઝાંખી આ તપાસથી સ્પષ્ટ થઈ છે.
ગ્રાઉન્ડ ઝીરો પર કરવામાં આવેલી રિયાલિટી ચેક દરમિયાન રેઢાણા ગામે બનેલા માટી-મેટલના રોડની વાસ્તવિક હાલત સામે આવી હતી, જ્યાં થોડા જ વરસાદમાં કાચા રસ્તાઓ ધોવાઈ ગયા હોવાનું જણાયું હતું. સ્થાનિક ગ્રામજનોએ પણ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે માત્ર કાગળ પર જ રોડ બનેલા છે પરંતુ વાસ્તવિકતામાં પ્રજાને કોઈ સુવિધા મળી નથી. આ પ્રકારના બોગસ વિકાસકામો અને વ્યાપક ભ્રષ્ટાચારને કારણે ગ્રામીણ વિસ્તારોમાં ભારે રોષ ફેલાયો છે અને આ સમગ્ર કૌભાંડની વધુ ઊંડાણપૂર્વક તપાસ કરીને જવાબદારો સામે ફોજદારી પગલાં લેવામાં આવે તેવી પ્રબળ લોકમાગ ઉઠી રહી છે.
