વિશ્વવિખ્યાત પુષ્કર મેળામાં સામાન્ય રીતે ઘોડા, ઊંટ, બકરી અને પાડા જેવા કદાવર પશુઓનો ભારે દબદબો જોવા મળતો હોય છે, પરંતુ આ વર્ષે મેળાના અંતિમ દિવસે એક અત્યંત નાની અને અનોખી ભેંસે તમામ મુલાકાતીઓ અને પશુપાલકોની મહેફિલ લૂંટી લીધી હતી. મહારાષ્ટ્રના થાણેથી ખાસ આ મેળામાં આવેલી પાંચ વર્ષની આ પિન્કી નામની ભેંસનું કદ માત્ર બે ફૂટ જ છે. આશ્ચર્યજનક બાબત એ છે કે આંધ્ર પ્રદેશની પ્રખ્યાત પૂંગનુર ગાય જેવી જ કદ-કાઠી ધરાવતી પિન્કી કોઈ ખાસ કે જિનેટિક વિકારવાળી નહીં, પરંતુ એકદમ સામાન્ય પ્રજાતિની જ ભેંસ છે, જેનું કદ કુદરતી રીતે જ નાનું રહી ગયું છે.
આ પાંચ વર્ષીય ટચૂકડી ભેંસની શારીરિક વિશેષતાઓની વાત કરીએ તો, તેની ઊંચાઈ માત્ર બે ફૂટ છે અને તેની સુંદરતા તથા અનોખા કદને કારણે તે મેળામાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની હતી. એટલું જ નહીં, પિન્કીની માતાની ઊંચાઈ પણ માત્ર ત્રણ ફૂટ જ હતી, જે આ વંશાવળીની ખાસિયત દર્શાવે છે. મેળામાં ફરતી આ નાનકડી ભેંસને જોવા માટે લોકોની ભારે ભીડ જામી હતી અને દરેક વ્યક્તિ તેની સાથે સેલ્ફી લેવા માટે પડાપડી કરતી નજરે પડી હતી.
આ અનોખા પશુની લોકપ્રિયતા એટલી બધી વધી ગઈ હતી કે બજારમાં તેની કિંમત આસમાને પહોંચીને આશરે 1 કરોડ રૂપિયા જેટલી અંકાઈ રહી છે. લાખો અને કરોડો રૂપિયાની જંગી ઓફરો મળવા છતાં પિન્કીના માલિક સોહેલ શકીલે તેને વેચવાનો સાફ ઇનકાર કરી દીધો છે. માલિક માટે પિન્કી માત્ર એક મૂંગું પ્રાણી નથી પરંતુ પરિવારના સભ્ય સમાન છે, અને આ અદ્ભુત પ્રેમ તથા પિન્કીનું આકર્ષકરૂપ આ વર્ષના પુષ્કર મેળાની સૌથી યાદગાર ઘટના બની રહી છે.
