અમેરિકન પ્રીમિયમ મોટરસાઇકલ નિર્માતા હાર્લે-ડેવિડસને ભારતીય ટુ-વ્હીલર બજારમાં પોતાની પકડ વધુ મજબૂત બનાવવા માટે એક વ્યાપક રણનીતિની જાહેરાત કરી છે. ભારતમાં બ્રાન્ડના ૧૭ વર્ષ પૂર્ણ થવાના અવસરે હાર્લે-ડેવિડસનના પ્રમુખ અને સીઈઓ આર્ટી સ્ટાર્સ તથા હીરો મોટોકોર્પના એક્ઝિક્યુટિવ ચેરમેન પવન મુિંજલે સંયુક્તપણે 'મિશન: ધ બિગ રાઇડ' (Mission: The Big RIDE) નામના વ્યૂહાત્મક અભિયાનની જાહેરાત કરી છે. આ ભાગીદારીનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રોડક્ટ પોર્ટફોલિયોને વિસ્તૃત કરવાનો, ગ્રાહકોના અનુભવને વધુ સારો બનાવવાનો અને દેશભરમાં પ્રીમિયમ મોટરસાઇકલ ખરીદનારા ગ્રાહકો સુધી સરળતાથી પહોંચવાનો છે.
વર્તમાન સમયમાં ભારતીય બજારમાં આ ભાગીદારી હેઠળ તૈયાર થયેલી એક્સ-૪૪૦ (X440) અને એક્સ-૪૪૦ ટી (X440 T) મોટરસાઇકલ ઉપલબ્ધ છે, જેને ગ્રાહકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. વર્ષ ૨૦૨૩માં લોન્ચ થયેલી એક્સ-૪૪૦ એ ભારતીય ગ્રાહકો માટે અમેરિકન બ્રાન્ડને વધુ સુલભ બનાવવામાં મોટી ભૂમિકા ભજવી છે, જે ૪૪૦ સીસી એન્જિન સાથે શાનદાર પાવર પ્રદાન કરે છે. આ જ પ્લેટફોર્મ પર આધારિત નવી એક્સ-૪૪૦ ટી વધુ સ્પોર્ટી લુક, આધુનિક ફિચર્સ અને ડ્રાઇવિંગ મોડ્સ સાથે આવે છે. આ બંને મોડેલોએ લોન્ચિંગ બાદથી ભારતમાં ૫૦,૦00 થી વધુ યુનિટ્સના વેચાણનો આંકડો પાર કરીને બજારમાં પોતાની મજબૂત ઉપસ્થિતિ નોંધાવી છે.
આગામી સમયમાં આ વ્યૂહાત્મક વિસ્તાર હેઠળ કંપની આંતરરાષ્ટ્રીય બજારોમાં ઉપલબ્ધ એક્સ-૩૫૦, એક્સ-૫૦૦ અને ઇટલીમાં યોજાયેલી ઇક્મા (EICMA) ઇવેન્ટમાં પ્રદર્શિત થયેલી એક્સ-૩૫૦ ટી જેવા નવા મોડેલોને ભારતીય બજારમાં ઉતારવા અંગે પણ વિચારણા કરી રહી છે. જોકે, ભારતમાં આ નવા વાહનોના આગમનનો આધાર કંપનીઓની સ્થાનિક માંગ, કિંમત નિર્ધારણ અને પ્રોડક્ટ રણનીતિ પર રહેશે. આ નવા અભિયાનથી માત્ર નવા મોડેલો જ નહીં આવે, પરંતુ ડીલરશીપ નેટવર્કનો વ્યાપ વધવાથી રાઇડિંગ કમ્યુનિટી વધુ મજબૂત બનશે અને ભારતીય મોટરસાઇકલ પ્રેમીઓ માટે ઉત્તમ અનુભવ સુનિશ્ચિત થશે.
