JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027: ગુજરાતના પ્રતિનિધિ મંડળે સીએમ યોગી આદિત્યનાથને આપ્યું ભવ્ય આમંત્રણ

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027: ગુજરાતના પ્રતિનિધિ મંડળે સીએમ યોગી આદિત્યનાથને આપ્યું ભવ્ય આમંત્રણ
આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ના આયોજન પૂર્વે ગુજરાત સરકારના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે ઉત્તર પ્રદેશની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિતના દિગ્ગજ નેતાઓને સમિટમાં ઉપસ્થિત રહેવા માટે સત્તાવાર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

ગુજરાત અને ઉત્તર પ્રદેશ વચ્ચેના આંતરરાજ્ય સહયોગ અને આર્થિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. ગુજરાતના ખાદ્ય, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના મંત્રી રમણભાઈ સોલંકીના નેતૃત્વ હેઠળ એક વિશેષ ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ લખનઉ પહોંચ્યું હતું. આ પ્રતિનિધિમંડળમાં સચિવ આલોક કુમાર પાંડે અને એમએસએમઈ કમિશનર ક્ષિપ્રા અગ્રે સહિતના વરિષ્ઠ આઈએએસ અધિકારીઓ પણ સામેલ હતા. આ ટીમે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી તેમને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તરફથી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027માં જોડાવા માટેનું નિમંત્રણ આપ્યું હતું, જેને લઈને બંને રાજ્યોના રાજકીય અને આર્થિક સંબંધો વધુ ગાઢ બન્યા છે.

મુખ્યમંત્રી સાથેની આ બે ઉપરાંત પ્રતિનિધિમંડળે ઉત્તર પ્રદેશના ઊર્જા, શહેરી વિકાસ અને આરોગ્ય ક્ષેત્રના શીર્ષ નેતૃત્વ સાથે પણ વિસ્તૃત ચર્ચાઓ કરી હતી. ઊર્જા અને શહેરી વિકાસ મંત્રી એ.કે. શર્મા સાથે થયેલી બેઠકમાં વીજ વિતરણ વ્યવસ્થામાં સુધારા, ભૂગર્ભ કેબલિંગ, આરડીએસએસ યોજના તેમજ શહેરી સુશાસન અને પીપીપી મોડલ જેવા મહત્વના વિષયો પર મંથન થયું હતું. આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક સાથેની મુલાકાતમાં આરોગ્ય સેવાઓ અને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે નિકાસની અપાર સંભાવનાઓ વધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. બંને રાજ્યો વચ્ચે નવીનીકરણીય ઊર્જા અને જમીન સુધારા જેવા ક્ષેત્રોમાં ઉત્તમ કામગીરીના આદાન-પ્રદાન માટે પણ આ બેઠકો અત્યંત ફળદાયી સાબિત થઈ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2003માં રોપામેલા વાઇબ્રન્ટ ગુજરાતના છોડ આજે એક વિશાળ વટવૃક્ષ બની ચૂક્યા છે, જે વૈશ્વિક સ્તરે રોકાણ અને ઉદ્યોગોનું કેન્દ્ર બન્યું છે. સમિટ 2027ના ભવ્ય આયોજન પૂર્વે ગુજરાત સરકાર દ્વારા દેશના અન્ય રાજ્યો સાથે સંવાદ અને સહયોગ વધારવાની આ રણનીતિ દેશના સમતોલ વિકાસમાં સીમાચિહ્ન રૂપ સાબિત થઈ રહી છે. આ પ્રકારના આંતરરાજ્ય સંપર્કોથી માત્ર ઔદ્યોગિક વિસ્તરણ જ નહીં, પરંતુ ટેક્નોલોજી, માળખાકીય સુવિધાઓ અને માનવ સંસાધન વિકાસના ક્ષેત્રે પણ નવા ક્ષિતિજો સર થઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશ સાથેના આ નવા સેતુથી આગામી સમયમાં બંને રાજ્યો વચ્ચે વ્યાપારિક અને વિકાસલક્ષી ભાગીદારીના નવા દ્વાર ખૂલશે તેવી પ્રબળ સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે.

ગુજરાત વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES