વિક્રમ સંવત ૨૦૮૩ની પ્રથમ પૂર્ણિમા એટલે કે કારતક સુદ પૂનમના પાવન અવસરે યાત્રાધામ દ્વારકામાં અદભુત આસ્થા અને ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતું. આ પ્રસંગે જગતમંદિરમાં બિરાજમાન રાજાધિરાજ ભગવાન શ્રી દ્વારકાધીશજીને દેશ-વિદેશથી મંગાવવામાં આવેલા ગુલાબ, ગલગોટા, ઓર્કિડ, મોગરો અને જરબેરા જેવા પાંચ હજાર કિલો તાજા અને સુગંધિત ફૂલોનો અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો. નિજ મંદિરથી લઈને સમગ્ર મંદિર પરિસર, સ્તંભો અને પ્રવેશદ્વારને કલાત્મક રીતે સજાવવામાં આવતા કાળિયા ઠાકોરના આ દિવ્ય સ્વરૂપે ભક્તોનું મન મોહી લીધું હતું. વહેલી સવારે છપ્પન સીડીના સ્વર્ગ દ્વારેથી મંદિરમાં પ્રવેશ કરીને હજારો ભક્તોએ મંગળા આરતીથી લઈને શયન સુધી ઠાકોરજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
દેવ દિવાળીના આ મહાપર્વ નિમિત્તે વહેલી સવારથી જ દ્વારકાની પવિત્ર ગોમતી નદીના ઘાટો પર સ્નાન કરવા માટે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું હતું. ભક્તોએ પવિત્ર ગોમતીમાં આચમન અને સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું અને મંદિરમાં વિશેષ મનોરથ તેમજ દીપમાળા દર્શનનો લહાવો લીધો હતો. મંદિર વહીવટી તંત્ર અને પૂજારી પરિવાર દ્વારા હજારોની સંખ્યામાં આવનાર ભાવિકો માટે ઉત્તમ અને સુચારુ દર્શન વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી દરેક શ્રદ્ધાળુ કોઈપણ વિઘ્ન વગર પોતાના આરાધ્યદેવના દર્શન કરી શકે.
માત્ર દ્વારકા શહેર જ નહીં, પરંતુ સમગ્ર 'દ્વારકા દર્શન સર્કિટ'માં પણ પર્યટકો અને શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. શિવરાજપુર બ્લૂ ફ્લેગ બીચ, બેટ દ્વારકાધીશ મંદિર, ભવ્ય સુદર્શન સેતુ, નાગેશ્વર જ્યોતિર્લિંગ, મોમાઈ ધામ બીચ, ગોપી તળાવ અને રૂક્મિણી મંદિર જેવા ધાર્મિક તેમજ રમણીય પર્યટન સ્થળોએ સહેલાણીઓનો ભારે ઉત્સાહ વર્તાયો હતો. ધાર્મિક આસ્થાની સાથે પ્રકૃતિ અને દરિયાકાંઠાના સૌંદર્યનો આનંદ માણવા આવેલા પર્યટકોએ આ યાત્રાને અવિસ્મરણીય બનાવી હતી, જેના કારણે સમગ્ર પંથક ભક્તિમય અને પર્યટનમય રંગે રંગાઈ ગયો હતો.
