આંધ્રપ્રદેશના વિશ્વપ્રસિદ્ધ તિરૂપતિ સ્થિત શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ભક્તિ અને આસ્થાનું એક અદ્ભુત ઉદાહરણ સામે આવ્યું છે, જ્યાં એક ગુપ્ત દાનવીરે કરોડો રૂપિયાનું સોનું ભગવાનના ચરણે ધર્યું છે. આ ભવ્ય દાનમાં કુલ 121 કિલોગ્રામ શુદ્ધ સોનામાંથી તૈયાર કરાયેલા 46 વિવિધ પ્રકારના મનમોહક દાગીનાનો સમાવેશ થાય છે. આ કિંમતી આભૂષણોમાં ભગવાનનો દિવ્ય મુગટ, ભુજકીર્તિસ, શંખ-ચક્ર, વદનમ અને અભય હસ્ત જેવા અત્યંત આકર્ષક શણગારની વસ્તુઓ સામેલ છે. આ તમામ દાગીનાને ખૂબ જ ઝીણવટપૂર્વક નવ અલગ-અલગ સેટના સ્વરૂપમાં બનાવવામાં આવ્યા છે, જે ભગવાનના દૈવી સ્વરૂપને વધુ દીપાવશે.
આ દિવ્ય આભૂષણોને તૈયાર કરવાની સમગ્ર પ્રક્રિયા તિરુમાલા તિરુપતિ દેવાસ્થાનમ (TTD) ના અધિકારીઓના માર્ગદર્શન અને પ્રાચીન આગમ શાસ્ત્રના કડક નિયમો અનુસાર પૂર્ણ કરવામાં આવી હતી. આ અનોખા અને ભવ્ય દાગીનાને બનાવવામાં લગભગ 15 મહિનાનો લાંબો સમય લાગ્યો હતો. હાલના સોનાના બજાર ભાવને ધ્યાનમાં રાખીને, આ તમામ દાગીનાની કુલ કિંમત આશરે 140 થી 150 કરોડ રૂપિયાની વચ્ચે હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. આ વિશાળ દાન ચેન્નાઈના એક સફળ એનઆરઆઈ (NRI) ઉદ્યોગપતિ દ્વારા કરવામાં આવ્યું છે, જેમનું અતૂટ માનવું છે કે ભગવાન વેંકટેશ્વર સ્વામીના અસીમ આશીર્વાદને કારણે જ તેમનો વ્યવસાય આટલી ઉંચાઈએ પહોંચ્યો છે અને સમૃદ્ધ બન્યો છે.
પોતાના વ્યવસાયમાં મળેલી અપાર સફળતા અને નફાના એક ભાગ રૂપે આ ઉદ્યોગપતિએ દેવતાને સોનાના દાગીના અર્પણ કરવાનો સંકલ્પ કર્યો હતો. વિશેષ વાત એ છે કે આ દાનવીર ઉદ્યોગપતિ પોતાની પ્રસિદ્ધિ અથવા નામ જાહેર કરવારાજી નથી, અને તેમણે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ સમક્ષ પણ પોતાની ઓળખ ગુપ્ત રાખવાની જ ખાસ વિનંતી કરી છે. ઉલ્લેખનીય છે કે ભગવાન વેંકટેશ્વર સ્વામીના નિયમિત શણગારમાં અત્યાર સુધી અંદાજે 650 કિલોગ્રામ સોનાના દાગીના વપરાતા હતા, જેમાં હવે આ નવા 121 કિલો સોનાના આભૂષણોનો પણ ઉમેરો થવા જઈ રહ્યો છે, જે મંદિરના ઇતિહાસમાં એક નવો અધ્યાય જોડે છે.
