જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા શાખા દ્વારા શહેરમાં બાકી રહેલા મિલકત વેરાની વસૂલાત માટે અત્યંત આક્રમક અભિગમ અપનાવવામાં આવ્યો છે. હાલ નગરજનો અને વિવિધ એકમો પાસેથી અંદાજે રૂા. ૪૦૦ કરોડ જેટલી માતબર રકમનો વેરો વસૂલવાનો બાકી છે, જેને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે. આ કડક કાર્યવાહીના ભાગરૂપે આજે ખાસ મ્યુનિસિપલ કમિશનર દિપેશ કેડિયાના માર્ગદર્શન હેઠળ આસિસ્ટન્ટ કમિશનર (ટેક્સ) જીગ્નેશ નિર્મલની આગેવાનીમાં ટેક્સ શાખાની વિશેષ ટીમ દરેડ ઉદ્યોગનગર વિસ્તારમાં પહોંચી હતી.
દરેડ જીઆઈડીસીના ફેઝ-૨ અને ફેઝ-૩ સહિતના વિસ્તારોમાં લાંબા સમયથી વેરો ન ભરનાર મિલકતધારકો સામે લાલ આંખ કરવામાં આવી છે. આ વિશેષ ઝુંબેશ અંતર્ગત અંદાજે રૂા. ૯ કરોડની વેરા વસૂલાતના બાકી કાગળો અને આકારણી સાથે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. તંત્રની આ કડક કામગીરીને પગલે કેટલાક વેપારીઓ અને મિલકતધારકોમાં દોડધામ મચી ગઈ હતી, અને દંડકીય કે કાનૂની કાર્યવાહીથી બચવા માટે બેથી ત્રણ મિલકતધારકોએ તો સ્થળ ઉપર જ બાકી વેરાની રકમના ચેક મહાનગરપાલિકાની ટીમને સુપરિપોર્ટ કર્યા હતા.
આ કાર્યવાહી દરમિયાન પાલિકાના વેરા વિભાગે કડક રૂખ અપનાવતા 'જેટકો'ની એક મિલકત પર સીલ મારી દીધું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર જેટકો સંસ્થાન પાસે અંદાજે રૂા. ૬૦ લાખ ૪૪ હજાર જેટલો માતબર વેરો ભરપાઈ કરવાનો બાકી હતો, જેની સામે આ કડક પગલું લેવામાં આવ્યું છે. મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં પણ બાકી વેરો નહીં ભરનાર અન્ય ડિફોલ્ટરો સામે આ પ્રકારની સીલીંગ અને જપ્તીની કાર્યવાહી વધુ વેગવંતી બનાવવામાં આવશે તેવા સ્પષ્ટ સંકેતો આપવામાં આવ્યા છે.
