JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
જામનગર

જામનગરમાં સ્વચ્છતા અભિયાનના ફાડે ફાડે ધજાગરા: લાખોના ખર્ચે વસાવેલી કચરાપેટીઓ પોતે જ બની ગઈ કચરો

જામનગરમાં સ્વચ્છતા અભિયાનના ફાડે ફાડે ધજાગરા: લાખોના ખર્ચે વસાવેલી કચરાપેટીઓ પોતે જ બની ગઈ કચરો
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ રાખવા માટે લાખો રૂપિયાના ખર્ચે ઠેર-ઠેર મૂકવામાં આવેલી લીલી અને બ્લુ કચરાપેટીઓની જાળવણીના અભાવે અત્યંત દયનીય હાલત થઈ ગઈ છે. પ્રજાના કરવેરાના નાણાંનો આડેધડ વેડફાટ થતાં નાગરિકોમાં સંબંધિત તંત્ર અને અધિકારીઓ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

જામનગર શહેરમાં સ્વચ્છતાના દાવાઓ વચ્ચે જામ્યુકો તંત્રની બેદરકારીનો મોટો ઘટસ્ફોટ થયો છે. થોડા મહિનાઓ પહેલા જ મ્યુનિસિપલ કમિશનરના નેતૃત્વમાં શહેરને સ્વચ્છ બનાવવા માટે વિવિધ વિસ્તારોમાં ભીનો અને સૂકો કચરો અલગ અલગ નાખી શકાય તે માટે સ્ટેન્ડ સાથે આકર્ષક લીલા અને બ્લુ રંગની કચરાપેટીઓ બેસાડવામાં આવી હતી. જોકે, આ યોજના અમલમાં આવ્યાના થોડા જ દિવસોમાં આ કચરાપેટીઓ તૂટવા લાગી હતી અથવા તો તોડી નાખવામાં આવી હતી. પ્રજાના પરસેવાની કમાણીમાંથી લાખો રૂપિયા ખર્ચીને વસાવવામાં આવેલી આ કચરાપેટીઓ આજે પોતાની જ દયનીય સ્થિતિ પર આંસુ સારતી નજરે પડી રહી છે.

હાલની સ્થિતિએ રામેશ્વરનગર, જૂના રેલવે સ્ટેશન અને ભીમવાસ સહિતના અનેક વિસ્તારોમાં આ કચરાપેટીઓ મૂળમાંથી ઉખડી ગઈ છે અને કેટલીક જગ્યાએ તો ફક્ત ખાલી સ્ટેન્ડ જ બાકી રહ્યા છે જ્યારે પેટીઓ ગાયબ થઈ ગઈ છે. શહેરમાં અનેક સ્થળોએ આ કચરાપેટીઓ ધૂળ ખાતી જોવા મળે છે અને જાણે કોઈ તેને ઉઠાવી જવાની રાહ જોતું હોય તેવી લાચાર સ્થિતિમાં ફેરવાઈ ગઈ છે. અગાઉ પણ અખબારી અહેવાલો દ્વારા આ અંગે તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું, પરંતુ જવાબદાર અધિકારીઓની આંખના પાણી મરી ગયા હોય તેમ તેઓ આ ગંભીર બાબતે આંખ આડા કાન કરી રહ્યા છે.

આ સમગ્ર પ્રકરણમાં સ્થાનિક પદાધિકારીઓ અને મેયરથી લઈને સ્ટેન્ડિંગ ચેરમેન સુધીના તમામ નેતાઓ પણ શહેરના વિકાસ અને જાળવણી પ્રત્યે સંપૂર્ણ ઉદાસીન રહ્યા છે. પ્રજાના કરોડો રૂપિયાના ફાટી ગયેલાં બજેટ અને વેડફાતા ભંડોળ સામે શું મ્યુનિસિપલ કમિશનર કોઈ કડક પગલાં લેશે કે પછી ફરજમાં નિષ્કાળજી દાખવનાર અધિકારીઓને દંડ કે સજા કરવામાં આવશે તે એક મોટો સવાલ બની ગયો છે. તંત્રની આ લાપરવાહીના કારણે સ્વચ્છતા અભિયાનના કાગળ પરના દાવાઓ જમીની હકીકત સામે પોકળ સાબિત થઈ રહ્યા છે.

જામનગર વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES