JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

અર્થતંત્ર માટે ડબલ બોનાન્ઝા: ક્રૂડ ઓઈલ સસ્તું થવાથી અને રૂપિયો મજબૂત બનવાથી રાહતની આશા

અર્થતંત્ર માટે ડબલ બોનાન્ઝા: ક્રૂડ ઓઈલ સસ્તું થવાથી અને રૂપિયો મજબૂત બનવાથી રાહતની આશા
આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવ ઘટીને ૯૦ ડોલરની નીચે પહોંચ્યા છે અને સામે ભારતીય રૂપિયો પણ મજબૂત થઈ રહ્યો છે. આ બેવડા ફાયદાથી રોકાણકારો, વેપારીઓ અને સામાન્ય ગ્રાહકોને મોંઘવારીમાંથી મોટી રાહત મળવાની અશા જાગી છે.

વૈશ્વિક સ્તરે સર્જાયેલા બે અનુકૂળ પરિબળોને કારણે ભારતીય અર્થતંત્ર માટે અત્યારે ખૂબ જ સકારાત્મક વાતાવરણ ઊભું થયું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલનો ભાવ ઘટીને છેલ્લા ત્રણ મહિનાની સૌથી નીચી સપાટી એટલે કે ૯૦ ડોલર પ્રતિ બેરલની નીચે સરકી ગયો છે. ભારત તેની કુલ જરૂરિયાતના અંદાજે ૮૯ ટકા જેટલું ક્રૂડ ઓઈલ આયાત કરતું હોવાથી, વૈશ્વિક સ્તરે ભાવ ઘટવાથી દેશના વિદેશી હૂંડિયામણની ભારે બચત થશે. અગાઉ પશ્ચિમ એશિયાના સંઘર્ષોને કારણે ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચ્યા હતા, જેના કારણે પરિવહન અને કાચા માલનો ખર્ચ અસાધારણ રીતે વધી ગયો હતો. હવે આ આર્થિક દબાણ હળવું થવાથી દેશના વિદેશી વેપાર અને ચાલુ ખાતાની ખાધ પરનું જોખમ ઘટશે, જે એકંદરે સમગ્ર અર્થતંત્ર માટે મજબૂત પાયો પૂરો પાડશે.

ક્રૂડ ઓઈલની સાથોસાથ ભારતીય રૂપિયો પણ અમેરિકી ડોલર સામે મજબૂત થવાની રાહ પર છે. તાજેતરના મહિનાઓમાં વિદેશી સંસ્થાગત રોકાણકારો દ્વારા ભારતીય શેરબજારમાં મોટાપાયે રોકાણ કરવામાં આવ્યું છે, જેનાથી રૂપિયાના મૂલ્યમાં સારો સુધારો જોવા મળ્યો છે. નિષ્ણાતોના મતે આગામી સમયમાં રૂપિયો વધુ મજબૂત બની શકે છે. મજબૂત ચલણને કારણે મશીનરી, ઈલેક્ટ્રોનિક્સ અને ઔદ્યોગિક કાચા માલની આયાત સસ્તી બનશે તેમજ વિદેશી દેવું ધરાવતી કંપનીઓને પણ મોટી રાહત મળશે. આ ઉપરાંત, આગામી કેન્દ્રીય બજેટ પહેલાં સરકારી તિજોરી પર સબસિડીનો ભાર ઘટવાથી સરકાર પાસે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ કાર્યો માટે નાણાકીય અવકાશ વધુ મજબૂત થશે.

આ બેવડા ફાયદાની સૌથી મોટી અસર સામાન્ય ગ્રાહકો અને વિવિધ ઉદ્યોગો પર જોવા મળશે. પેટ્રોલિયમ અને ડીઝલના ભાવ કાબૂમાં રહેવાથી પરિવહન અને નૂર ભાડું ઘટશે, જેનાથી શાકભાજી અને અનાજ જેવી ખાદ્ય ચીજોના વહન ખર્ચમાં રાહત મળશે તથા પ્લાસ્ટિક, પેકેજિંગ જેવી પેટ્રોલિયમ આધારિત વસ્તુઓ પણ સસ્તી થશે. એરલાઈન્સ, પેઈન્ટ, કેમિકલ અને એફએમસીજી ક્ષેત્રની કંપનીઓના ઉત્પાદન ખર્ચ ઘટવાથી તેમના નફામાં મોટો સુધારો થશે, જેનો સીધો લાભ શેરબજારના રોકાણકારોને મળશે. જોકે, વૈશ્વિક સ્તરે ભૌગોલિક-રાજકીય તણાવ અને હોર્મુઝની સામુદ્રધુની જેવા જોખમો હજુ પણ યથાવત છે, પરંતુ હાલની આર્થિક સ્થિતિ દેશના વિકાસ અને મોંઘવારી નિયંત્રણ માટે અત્યંત રાહતજનક સાબિત થઈ રહી છે.

બિઝનેસ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES