આજના ડિજિટલ યુગમાં આપણે સ્માર્ટફોન, લેપટોપ કે અન્ય સ્ક્રીન વગર એક ક્ષણ પણ કલ્પના કરી શકતા નથી. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ સ્ક્રીન સતત ચાલુ રહેવા માટે કેટલી મોટી માત્રામાં વીજળીનો વપરાશ કરે છે? સામાન્ય રીતે ફોન કે કમ્પ્યુટરની સ્ક્રીન પર કોઈ સ્થિર છબી હોય ત્યારે પણ તે ફ્રેમ-બાય-ફ્રેમ સતત ઊર્જા ખર્ચતી રહે છે. આ સમસ્યાના કાયમી નિરાકરણ રૂપે ઓસ્ટ્રેલિયાની આરએમઆઈટી યુનિવર્સિટી અને ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે 'ટીએમઓએસ' (TMOS) સેન્ટરના રિસર્ચર્સે એક ક્રાંતિકારી ટેકનોલોજી શોધી કાઢી છે. તેમણે એક એવી રીઅલ-ટાઇમ ડિસ્પ્લે બનાવી છે જેને કોઈપણ પ્રકારની વીજળીના પ્રવાહ વગર મહિનાઓ સુધી ચિત્ર કે આકૃતિને અકબંધ રાખવામાં સંપૂર્ણ સફળતા મળી છે.
આ અનોખી ડિસ્પ્લે ટેકનોલોજી પાછળ 'ફેઝ ચેન્જ મટિરિયલ્સ' (PCMs), ખાસ કરીને 'એન્ટિમની સેલેનાઈડ' (Sb₂Se₃) નો ઉપયોગ કરવામાં આવ્યો છે. સામાન્ય પદાર્થોની પરમાણુ રચના નિશ્ચિત હોય છે, જ્યારે પીસીએમ (PCMs) પદાર્થો સ્ફટિક જેવા વ્યવસ્થિત ક્રમ અને જટિલ કાચ જેવા અવ્યવસ્થિત ક્રમ વચ્ચે વારંવાર બદલાઈ શકે છે. આ બંને અવસ્થાઓ પ્રકાશ સાથે અલગ રીતે પ્રક્રિયા કરે છે, જેના કારણે જુદા જુદા રંગો ઉત્પન્ન થાય છે. આ પદાર્થની ખાસિયત એ છે કે તે 'નોન-વોલેટાઈલ' છે, એટલે કે એકવાર કોઈ તસવીર સેટ થઈ જાય પછી તેને જાળવી રાખવા માટે કોઈ બાહ્ય પાવર સોર્સની જરૂર પડતી નથી. સંશોધકોએ કોઆલા પ્રાણીનું ચિત્ર અને ઓસ્ટ્રેલિયાનો નકશો બનાવીને પ્રયોગ કર્યો હતો, જે ઓરડાના સામાન્ય તાપમાનમાં એક વર્ષ વીતી જવા છતાં જરાય ઝાંખો પડ્યો નથી.
આ ટેકનોલોજીમાં ચિત્ર દોરવા અને ભૂંસવા માટેની પદ્ધતિ પણ અત્યંત રોચક અને અનોખી છે. સ્ક્રીન પર ચિત્ર દોરવા માટે શોર્ટ લેસર પલ્સનો ઉપયોગ કરવામાં આવે છે, જે પરમાણુઓને તેમની અવસ્થા બદલવા માટે પ્રેરિત કરે છે અને તે રંગો તરીકે દ્રશ્યમાન થાય છે. જ્યારે સ્ક્રીનને સાફ કે કોરી કરવા માટે તેને અંદાજે ૨૦૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાન ધરાવતી ભઠ્ઠીમાં ગરમ કરવામાં આવે છે, જેનાથી પરમાણુઓ તેમની મૂળ અને સૌથી સ્થિર સ્ફટિક રચનામાં પાછા ફરી જાય છે અને સ્ક્રીન સંપૂર્ણપણે સાફ થઈ જાય છે. હાલમાં આ સંશોધન પ્રારંભિક તબક્કામાં છે અને તેને વ્યાપારી ધોરણે લોકપ્રિય બનાવવા માટે લેસરને બદલે ઇલેક્ટ્રિકલ સિસ્ટમ વિકસાવવા પર કામ ચાલી રહ્યું છે. ભવિષ્યમાં ઈ-રીડર, જાહેર સાઈનેજ અને ડિજિટલ બોર્ડ જેવા સાધનોમાં આ ટેકનોલોજીનો ઉપયોગ થવાથી વીજળીની ખપત લગભગ શૂન્ય થઈ જશે અને તે પર્યાવરણ માટે પણ અત્યંત ટકાઉ સાબિત થશે.
