JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
કૃષિ

દાહોદના સંજેલી પંથકમાં વરસાદ ખેંચાતા ઊભો પાક સુકાવાની આરે: કાળિયાહેલ ડેમમાંથી તાત્કાલિક પાણી છોડવા ખેડૂતોની પોકાર

Oct 07, 2026 | 02:56 | By JAMNAGAR MIRROR
દાહોદના સંજેલી પંથકમાં વરસાદ ખેંચાતા ઊભો પાક સુકાવાની આરે: કાળિયાહેલ ડેમમાંથી તાત્કાલિક પાણી છોડવા ખેડૂતોની પોકાર

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકા સહિત સમગ્ર ગ્રામ્ય પંથકમાં ચોમાસાની શરૂઆતમાં થયેલા સાર્વત્રિક અને ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ધરતીપુત્રોએ સારા વરસાદના આશાવાદ સાથે પોતાના ખેતરોમાં સમયસર વાવણી કાર્ય પૂર્ણ કરી લીધું હતું. જોકે, શરૂઆતના સારા વરસાદ બાદ લાંબા સમયથી મેઘરાજાએ અચાનક વિરામ લઈ લેતાં હવે ખેડૂતો ગંભીર મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આકાશ તરફ મીટ માંડીને બેઠેલા જગતના તાત માટે ચોમાસુ વિદાય લેવાના આરે હોવા છતાં વરસાદ ન પડવાથી ચિંતાના વાદળો ઘેરાયા છે.

ચાલુ ખરીફ મોસમ દરમિયાન સંજેલી તાલુકામાં ખેડૂતો દ્વારા મોટા પાયે વાવેતર કરવામાં આવ્યું હતું. સત્તાવાર આંકડાઓ અનુસાર, પંથકમાં અંદાજે ૧,૫૦૪ હેક્ટરમાં ડાંગર, ૫,૮૮૩ હેક્ટરમાં મકાઈ તેમજ ૫૩૧ હેક્ટરમાં સોયાબીનનું વાવેતર નોંધાયું છે. શરૂઆતમાં અનુકૂળ વાતાવરણ મળતાં પાક સારો પાંગર્યો હતો, પરંતુ હાલમાં વરસાદ ન વરસતાં ખેતી નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. લાંબા સમયથી વરસાદે મોં ફેરવી લેતા ખેતરોમાં લહેરાતો ઊભો મોલ પાણીના અભાવે સુકાઈ જવાની આરે પહોંચી ગયો છે.

હાલની પરિસ્થિતિ અત્યંત ગંભીર બની છે કારણ કે આસપાસની સિંચાઈ કેનાલો પણ ખાલીખમ થઈ ગઈ છે, જેના કારણે પાકને પૂરતું પાણી મળી શકતું નથી. ખાસ કરીને ડાંગરના પાકને હાલ માત્ર એક પાણીની તાતી જરૂરિયાત છે, અને જો સમયસર સિંચાઈ નહીં મળે તો સમગ્ર મહેનત એળે જશે. આ સ્થિતિમાં ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવે તેમ છે. ધરતીપુત્રોએ પ્રશાસન સમક્ષ જોરદાર માંગણી કરી છે કે ઉપરવાસમાં આવેલા કાળિયાહેલ ડેમમાંથી કેનાલ મારફતે તાત્કાલિક પાણી છોડવામાં આવે, જેથી ખેડૂતોનો આ મહામૂલો પાક બચી શકે.

LATEST ARTICLES