JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

રાજકોટમાં રૂ. ૩૬ કરોડના ખર્ચે બનતી જિલ્લા પંચાયતની નવી ઇમારતમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે બાંધકામ સ્થળેથી દારૂની બોટલો મળી આવી

રાજકોટમાં રૂ. ૩૬ કરોડના ખર્ચે બનતી જિલ્લા પંચાયતની નવી ઇમારતમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે બાંધકામ સ્થળેથી દારૂની બોટલો મળી આવી
રાજકોટ જિલ્લા પંચાયતના નવા ભવનના નિર્માણમાં હલકી કક્ષાના મટિરિયલના ઉપયોગ અને ગેરરીતિઓ પકડાઈ છે. આશ્ચર્યજનક રીતે બાંધકામ સાઇટ પરથી દારૂની ખાલી બોટલો પણ મળી આવતા ભારે વિવાદ સર્જાયો છે.

રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા અંદાજે રૂ. ૩૬ કરોડના જંગી ખર્ચે નિર્માણ પામી રહેલા નવા ભવનનું કામ પૂરું થાય તે પહેલા જ તેની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. જિલ્લા પંચાયતના પ્રમુખ સંજય પીપળિયા, ઉપપ્રમુખ સામત બાંભવા અને કારોબારી ચેરમેન નરસિંહ સોજીત્રાએ કરેલી અચાનક સ્થળ મુલાકાત દરમિયાન બાંધકામમાં વ્યાપક અનિયમિતતાઓનો પર્દાફાશ થયો હતો. પદાધિકારીઓએ તપાસ કરતાં સામે આવ્યું કે આ પ્રોજેક્ટમાં ભોગાવો રેતીને બદલે પ્રતિબંધિત સિલિકા રેતી, જૂના લોખંડના સળિયા તેમજ તૂટેલી ઈંટોના ટુકડાઓનો બેરોકટોક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ગંભીર બાબતને લઈને સ્થળ પર જ માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી ઈજનેર અને કોન્ટ્રાક્ટરના માણસોનો આક્રોશપૂર્વક ઉધડો લેવામાં આવ્યો હતો.

આ પ્રોજેક્ટનો મુખ્ય કોન્ટ્રાક્ટ સુરતની 'એવરેસ્ટ બિલ્ડકોન' કંપનીને આપવામાં આવ્યો છે, જેણે આગળ રાજકોટના ભાજપ અગ્રણી અને જિલ્લા પંચાયતના સભ્યના સગાને પેટા કોન્ટ્રાક્ટ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર પ્રકરણમાં નિયમોને નેવે મૂકીને ચાલતા કામને લઈને તંત્ર સામે અનેક આક્ષેપો થઈ રહ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે લેબોરેટરી રિપોર્ટમાં સિલિકા રેતીનો ઉપયોગ સાબિત થશે તો કોન્ટ્રાક્ટરને ભારે દંડ ફટકારવામાં આવશે અને ખામીયુક્ત બાંધકામ તોડીને નવેસરથી બનાવવામાં આવશે. બીજી બાજુ, પ્રોજેક્ટની નિર્ધારિત સમયમર્યાદા પૂરી થવા છતાં હજુ માત્ર ૬૫ ટકા જ કામ પૂર્ણ થયું છે, જેને લઈને તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર પાસેથી વિલંબ બદલ અંદાજે રૂ. ૧૫ લાખની દંડકીય રકમ પણ કાપી લેવામાં આવી છે.

આ સમગ્ર મુલાકાત દરમિયાન સૌથી મોટો અને ચોંકાવનારો ખુલાસો એ થયો કે નિર્માણાધીન જિલ્લા પંચાયત કચેરીની અંદરથી ખાલી દારૂની બોટલો, બીયરના ટીન અને નાસ્તાની કોથળીઓ મળી આવી હતી. સરકારી કચેરીના નિર્માણ સ્થળેથી જ નશાકારક પદાર્થોના અવશેષો મળી આવતા રાજકોટ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે અને રાજકીય તેમજ વહીવટી સ્તરે ભારે તર્કવિતર્કો સર્જાયા છે. સરાઝા હોટલ દારૂ પાર્ટીનો વિવાદ માંડ શાંત થયો હતો ત્યાં સરકારી મિલકતમાંથી જ આ પ્રકારે દારૂની ખાલી બોટલો મળવાની ઘટનાએ તંત્રની સુરક્ષા અને દેખરેખ સામે ગંભીર પ્રશ્નાર્થ ચિહ્નો ખડા કર્યા છે. આ માબતે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી રહી છે.

ગુજરાત વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES