JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ગુજરાત

રાજકોટમાં મનપાની ઘોર બેદરકારી: ખુલ્લી કુંડી અને ખાડાઓએ છીનવી લીધી નિર્દોષોની જિંદગી

રાજકોટમાં મનપાની ઘોર બેદરકારી: ખુલ્લી કુંડી અને ખાડાઓએ છીનવી લીધી નિર્દોષોની જિંદગી
રાજકોટના ઘંટેશ્વર વિસ્તારમાં સ્ટ્રીટલાઇટ અને સુરક્ષા વિનાની ભૂગર્ભ કુંડી સાથે અથડાવાથી એક મહિલાનું કરુણ મોત નીપજ્યું છે. આ માનવસર્જિત દુર્ઘટનાઓને લઈને કોંગ્રેસ આગેવાને મનપાના અધિકારીઓની નિંભરતા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

રાજકોટ મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી અને વહીવટી લાપરવાહીના કારણે વધુ એક માસૂમ જીંદગી ખાડાના ખપ્પરમાં હોમાઈ ગઈ છે. ઘંટેશ્વર વિસ્તારમાં રહેતી ૨૯ વર્ષીય મિતાલીબેન કેસરિયા રાત્રીના સમયે સ્ટ્રીટલાઇટ વિહોણા રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે રોડ લેવલથી અંદાજે ચાર ફૂટ ઊંચી ભુગર્ભ કુંડી સાથે તેમનું બાઈક અથડાતા તેઓ ગંભીર રીતે ઘવાયા હતા. સારવાર દરમિયાન તેમનું દુઃખદ અવસાન થતાં માત્ર નવ મહિનાના બોલકા બાળકે પોતાની માતાની છત્રછાયા ગુમાવી છે. જો કે મનપાના અધિકારીઓ દ્વારા કુંડી રસ્તાની બાજુમાં હોવાનો બચાવ કરવામાં આવી રહ્યો છે, પરંતુ સવાલ એ થાય છે કે જો કુંડી રસ્તાની બાજુમાં પણ હોય તો તેની આસપાસ ચેતવણી દર્શાવતું બોર્ડ, સુરક્ષાત્મક આડશ કે પૂરતી પ્રકાશની વ્યવસ્થા કરવાની જવાબદારી કોની હતી?

આ એકમાત્ર ઘટના નથી, પરંતુ રાજકોટ શહેરમાં નાગરિકોની સુરક્ષા સામે અવારનવાર જોખમો ઊભા થઈ રહ્યા છે. અગાઉ નવેમ્બર ૨૦૨૫માં સોલવન્ટ રેલવે ક્રોસિંગ નજીક સિટી બસની અડફેટે આવવાથી ૬૫ વર્ષીય ભરતભાઈ અંબાસણાનું પણ મૃત્યુ થયું હતું, જ્યારે ૧૬ એપ્રિલ ૨૦૨૫ના રોજ ઇન્દિરા સર્કલ ખાતે થયેલા સિટી બસના ગંભીર અકસ્માતમાં ચાર નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા. તપાસ દરમિયાન આ બસના ચાલકનું ડ્રાઇવિંગ લાઈસન્સ પણ સમયમર્યાદા પૂર્ણ થયેલું હોવાનું બહાર આવ્યું હતું, જે તંત્રની કામગીરી પર મોટો પ્રશ્નાર્થ ચિન્હ મૂકે છે. કરોડો રૂપિયાના વિકાસકાર્યોના દાવાઓ કરતી મહાનગરપાલિકાની હદમાં રસ્તાઓ, ગટર વ્યવસ્થા, પીવાનું પાણી અને જાહેર પરિવહન સેવાઓ અત્યંત જોખમી સાબિત થઈ રહી છે.

આ તમામ ગંભીર ઘટનાઓને પગલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આગેવાન ડો. નિદત બારોટે તંત્રને સખત શબ્દોમાં ઢંઢોળતા અનેક સવાલો ઉઠાવ્યા છે. તેમણે સ્પષ્ટપણે પૂછ્યું છે કે છેલ્લા એક વર્ષમાં મનપાની બેદરકારીના કારણે કેટલા નાગરિકોએ જીવ ગુમાવ્યા છે અને જવાબદાર અધિકારીઓ, ઇજનેરો કે કોન્ટ્રાક્ટરો સામે કયા પ્રકારની ફોજદારી કે ખાતાકીય પગલાં લેવામાં આવ્યા છે? શહેરના માર્ગો પર ખોદકામ, ખુલ્લી ગટરો અને અધૂરાં બાકામ પાસે સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કોણ કરે છે? સિટી અને BRTS બસના ચાલકોની યોગ્ય તપાસ થાય છે કે નહીં તથા અકસ્માતનો ભોગ બનનાર પીડિત પરિવારોને વળતર આપવા માટે તંત્ર પાસે કોઈ કાયમી નીતિ છે કે કેમ, તેવા અનેક સવાલોના જવાબ હવે રાજકોટની જનતા માંગી રહી છે.

ગુજરાત વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES