JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
કાનૂની ક્રાઈમ

લાલ કિલ્લા વિસ્ફોટ કેસ: સુપ્રીમ કોર્ટે આરોપી જાસિર બિલાલની ડિફોલ્ટ બેલની અરજી ફગાવી

Jamnagar Mirror
લાલ કિલ્લા કાર બ્લાસ્ટ કેસના આરોપી જાસિર બિલાલ વાની ઉર્ફે દાનીશને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. દિલ્હી હાઈકોર્ટના આદેશ સામે દાખલ કરવામાં આવેલી ડિફોલ્ટ બેલની અરજી સર્વોચ્ચ અદાલતે ફગાવી દીધી છે.

વર્ષ ૨૦૨૫માં દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પાસે થયેલા ભીષણ કાર બોમ્બ વિસ્ફોટ કેસમાં સંડોવાયેલા આરોપી જાસિર બિલાલ વાની ઉર્ફે દાનીશની મુશ્કેલીઓમાં વધારો થયો છે. સોમવારે સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટના એ આદેશમાં દખલ કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો, જેમાં તેને ડિફોલ્ટ બેલ (જામીન) આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને જસ્ટિસ શ્રી ચંદ્રશેખરની બેન્ચે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, પીિટશનરની દલીલો સાંભળ્યા બાદ આ સ્પેશિયલ લીવ પીટીશન પર સુનાવણી કરવા માટે તેઓ ઉત્સુક નથી અને તેથી આ અરજી ફગાવવામાં આવે છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા આ કેસમાં કાનૂની કાર્યવાહી ચાલી રહી છે.

સુનાવણી દરમિયાન આરોપી તરફથી વરિષ્ઠ વકીલ વરીશા ફરાસતે એવી દલીલ કરી હતી કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પ્રતિબંધક કાયદા (UAPA) હેઠળ કલમ ૪૩ડી ફોજદારી પ્રક્રિયા સંહિતા (CrPC) ની જોગવાઈઓ અપનાવે છે, BNNS ને નહીં. તેમના તર્ક મુજબ આ અર્થઘટન પ્રમાણે UAPAના આરોપીને ૧૮૦ દિવસને બદલે ૯૦ દિવસ પછી ડિફોલ્ટ બેલ મેળવવાનો હક મળે છે. જોકે, અગાઉ ૧૮ ઓગસ્ટે દિલ્હી હાઈકોર્ટે આ દલીલોને ફગાવતા સ્પષ્ટ કર્યું હતું કે UAPA જેવા આતંકવાદ વિરોધી કાયદાઓમાં ગંભીર ગુનાઓ માટે અટકાયતનો સમયગાળો ૧૮૦ દિવસ સુધીનો હોઈ શકે છે. અદાલતે એમ પણ નોંધ્યું હતું કે તપાસ એજન્સી દ્વારા ૧૪ મે, ૨૦٢૬ના રોજ ચાર્જશીટ પણ દાખલ કરી દેવામાં આવી છે, જેથી હવે ૯૦ દિવસના આધારે જામીન માંગવાનો સમય વીતી ચૂક્યો છે.

આ કેસની પૃષ્ઠભૂમિ પર નજર કરીએ તો, ૧૦ નવેમ્બર ૨૦૨૫ના રોજ લાલ કિલ્લાની નજીક સાંજે ૬:૫૨ વાગ્યે હ્યુન્ડાઈ આઈ-૨૦ કારમાં થયેલા ભીષણ વિસ્ફોટમાં ૧૫ લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. આ ઘાતક વિસ્ફોટ પાછળ ઉમર ઉન નબી નામનો આત્મઘાતી હુમલાખોર હોવાનું બહાર આવ્યું હતું. NIAએ કાશ્મીરના રહેવાસી જાસિર બિલાલ વાનીને ૧૭ નવેમ્બર ૨૦૨૫ના રોજ ડ્રોનમાં ફેરફાર કરવા અને રોકેટ બનાવવાનો પ્રયાસ કરી આતંકવાદી હુમલા માટે ટેકનિકલ સપોર્ટ પૂરો પાડવાના આરોપસર ધરપકડ કર્યો હતો. હાઈકોર્ટે પોતાના જૂના ચુકાદામાં જણાવ્યું હતું કે વિશેષ કાયદા (UAPA) નો હેતુ સામાન્ય કાયદા (BNNS) કરતા સર્વોપરી રહે છે અને આરોપીએ સમયમર્યાદા લંબાવવાના આદેશ સામે યોગ્ય સમયે પડકાર નહોતો ફેંક્યો, જેના કારણે તેણે જામીન મેળવવાનો અધિકાર ગુમાવી દીધો છે.

કાનૂની ક્રાઈમ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES