JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
કાનૂની ક્રાઈમ

ગોધરા ટ્રેન અગ્નિકાંડ: અંદાજે ૧૮ વર્ષથી જેલમાં બંધ આજીવન કેદના દોષિતની સજા સુપ્રીમ કોર્ટે કરી સ્થગિત

ગોધરા ટ્રેન અગ્નિકાંડ: અંદાજે ૧૮ વર્ષથી જેલમાં બંધ આજીવન કેદના દોષિતની સજા સુપ્રીમ કોર્ટે કરી સ્થગિત
વર્ષ ૨૦૦૨ના ચકચારી ગોધરા ટ્રેન અગ્નિકાંડ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા ઈરફાન સિરાજ પાડાને સુપ્રીમ કોર્ટે તેની ગંભીર તબીબી પરિસ્થિતિ અને લાંબા જેલવાસને ધ્યાનમાં રાખીને વચગાળાની રાહત આપી છે.

વર્ષ ૨૦૦૨ના ગોધરા ટ્રેન અગ્નિકાંડ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા ઈરફાન સિરાજ પાડાને સુપ્રીમ કોર્ટે સોમવારે એક મહત્ત્વપૂર્ણ હુકમ દ્વારા મોટી રાહત આપી છે. જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને જસ્ટિસ પી.બી. વરાલેની ડિવિઝન બેન્ચે અપીલકર્તાના વકીલની દલીલોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો હતો. અરજદાર અંદાજે ૧૮ વર્ષ જેટલો લાંબો સમય જેલમાં વિતાવી ચૂક્યો છે અને હાલમાં તે ગંભીર બિમારીઓથી પીડાઈ રહ્યો છે. રેકોર્ડ પર રજૂ કરાયેલા મેડિકલ રિપોર્ટ્સ અને ભોગવેલી સજાના સમયગાળાને આધારે કોર્ટે મુખ્ય ફોજદારી અપીલના અંતિમ નિકાલ સુધી તેની સજાના અમલને સ્થગિત કરવાનો નિર્દેશ આપ્યો છે.

આ કાનૂની પ્રક્રિયા અંતર્ગત સજા સ્થગિત કરવી એ અપીલના અંતિમ ચુકાદા સુધીની માત્ર એક કામચલાઉ અને વચગાળાની વ્યવસ્થા છે, જેનાથી દોષિતને શરતી જામીન મળે છે પરંતુ નીચલી અદાલતનો મૂળ ચુકાદો રદ થતો નથી. ગુજરાત હાઈકોર્ટે વર્ષ ૨૦૧૭માં આપેલા ચુકાદાને પડકારતી મુખ્ય અપીલ હજુ પણ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. આ ઘટનાની પાર્શ્વભૂમિ પર નજર કરીએ તો, ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ અયોધ્યાથી પરત ફરી રહેલી સાબરમતી એક્સપ્રેસના કોચ 'જય-૬' ને ગોધરા રેલવે સ્ટેશન નજીક આગ ચાંપવામાં આવી હતી, જેમાં મહિલાઓ અને બાળકો સહિત ૫૯ લોકોના મોત થયા હતા અને ત્યારબાદ રાજ્યભરમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા.

આ કેસમાં માર્ચ ૨૦૧૧માં સ્પેશિયલ ફાસ્ટ-ટ્રેક કોર્ટે ૩૧ આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા, જેમાં ૧૧ને ફાંસી અને ૨૦ને આજીવન કેદની સજા ફટકારાઈ હતી. ઓક્ટોબર ૨૦૧૭માં હાઈકોર્ટે તમામ ૩૧ દોષિતોની સજા યથાવત્ રાખી ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી હતી. વર્ષ ૨૦૧૮થી સુપ્રીમ કોર્ટમાં આ કેસની ક્રોસ-અપીલો પડતર છે, અને સર્વોચ્ચ અદાલત દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી વ્યક્તિગત ભૂમિકા, ઉંમર, તબીબી સ્થિતિ અને લાંબા જેલવાસ જેવા પરિબળોને આધારે કેસ-દર-કેસના ધોરણે જામીન અરજીઓ પર વિચારણા કરવામાં આવી રહી છે.

કાનૂની ક્રાઈમ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES