આ સમગ્ર મામલો વિશાખાપટ્ટનમના મધુરવાડા વિસ્તારમાં રહેતા ૬૧ વર્ષીય કન્ટેનર ડ્રાઇવર વાસમ હરિકૃષ્ણ સાથે જોડાયેલો છે, જેમણે ડાબી આંખની દ્રષ્ટિ નબળી પડવાને કારણે જૂન ૨૦૨૧માં વિશાખા આઈ હોસ્પિટલનો સંપર્ક કર્યો હતો. હોસ્પિટલના તબીબોએ તેમને મોતિયાની શસ્ત્રક્રિયા કરાવવાની સલાહ આપી હતી, જેના માટે હરિકૃષ્ણે ઓપરેશન અને એનેસ્થેસિયા પેટે કુલ ૧૨,૪૦૦ રૂપિયા ચૂકવ્યા હતા. ૭ જૂન ૨૦૨૧ના રોજ ડૉ. રામ્યા દ્વારા સર્જરી કરવામાં આવી હતી, પરંતુ દર્દીનો આરોપ હતો કે ઓપરેશન દરમિયાન એનેસ્થેસિયા આપવામાં આવ્યું નહોતું અને વેક્યુમ તથા વોટર પંપ પણ યોગ્ય રીતે કામ કરી રહ્યા નહોતા. એટલું જ નહીં, આંખ સાફ કરવા માટે પીવાના પાણીની બોટલનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ પણ દર્દી દ્વારા કરવામાં આવ્યો હતો, જેના કારણે તેમને ભારે પીડા અને લાંબા સમય સુધી દ્રષ્ટિ ગુમાવવાની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.
આ મામલે ગ્રાહક તિજારા વિવાદ નિવારણ આયોગે મેડિકલ રેકોર્ડ્સ અને હોસ્પિટલની કામગીરીની ઝીણવટભરી તપાસ કરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે હોસ્પિટલે શરૂઆતમાં મહત્વપૂર્ણ રેકોર્ડ ઉપલબ્ધ ન હોવાનું જણાવ્યું હતું અને બાદમાં કાગળો રજૂ કર્યા હતા, જેમાં વિસંગતતાઓ જોવા મળી હતી. આયોગે સ્પષ્ટપણે નોંધ્યું કે હોસ્પિટલ દ્વારા મેડિકલ રેકોર્ડ્સની જાળવણીમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી છે અને ન્યાયિક પ્રક્રિયામાં અયોગ્ય વલણ અપનાવવામાં આવ્યું છે. હોસ્પિટલે પોતાની દલીલમાં આને સર્જરીની સામાન્ય જટિલતા ગણાવી હતી, પરંતુ આયોગે દર્દીના આક્ષેપોને માન્ય રાખતા હોસ્પિટલની સેવાઓમાં ખામી હોવાનું સ્વીકાર્યું હતું જેના કારણે પીડિતને લગભગ ત્રણ વર્ષ સુધી કાનૂની લડાઈ લડવી પડી હતી.
આ આદેશ હેઠળ ગ્રાહક આયોગે વિશાખા નેત્રા જ્યોતિ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંચાલિત વિશાખા આઈ હોસ્પિટલને આદેશ આપ્યો છે કે તેઓ પીડિત હરિકૃષ્ણને ૯ લાખ રૂપિયાનું વળતર ચૂકવે. આ ઉપરાંત, ઓપરેશન પાછળ ખર્ચ થયેલા ૮,૦૨૦ રૂપિયા ૬ ટકા વાર્ષિક વ્યાજ સાથે અને દાવો લડવાનો ૨૧,૦૦૦ રૂપિયાનો ખર્ચ પણ આપવાનો રહેશે. હોસ્પિટલને આ આદેશનું પાલન કરવા માટે એક મહિનાનો સમય આપવામાં આવ્યો છે, અને જો નિર્ધારિત સમયમાં રકમ ચૂકવવામાં નહીં આવે તો ડિફોલ્ટની તારીખથી વાર્ષિક ૯ ટકા લેખે વ્યાજ લાગુ થશે. ન્યાય, સમાનતા અને निष्पक्षતાના સિદ્ધાંતોને આધારે આપવામાં આવેલા આ ચુકાદાથી તબીબી ક્ષેત્રે બેદરકારી દાખવતી હોસ્પિટલોમાં મોટો ફફડાટ ફેલાયો છે.
