આ બે દિવસીય ભવ્ય અને વિશિષ્ટ આમંત્રણ આધારિત કાર્યક્રમમાં શાસ્ત્રીય તથા સમકાલીન સંગીત, સાહિત્ય, નૃત્ય, આધ્યાત્મિકતા, કળા અને હેરિટેજનું અદભુત મિશ્રણ જોવા મળશે. પ્રથમ દિવસની શરૂઆત પદ્મ વિભૂષણ ડૉ. ગિરિજા દેવીના શિષ્યો દ્વારા 'ઇતિહાસ લાઈવ' અને 'શબ્દ સે સુર તક' પ્રસ્તુતિથી થશે. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 'ઉત્તર પ્રદેશ: વિરાસત સે વિકાસ તક' વિષય પર વાર્તાલાપ દ્વારા રાજ્યની વિરાસત અને વિકાસ વચ્ચેના સેતુ પર પ્રકાશ પાડશે. આ ઉપરાંત, કૈલાશ ખેર અને કૈલાસા બેન્ડનું સંગીતમય લાઇવ પર્ફોર્મન્સ તેમજ નમો ઘાટ પર ભવ્ય ગંગા આરતી આ આખા આયોજનના મુખ્ય આકર્ષણો રહેશે, જેમાં હવસ પ્લે અને અદાણી ગ્રૂપના સહયોગથી કલા, પર્યટન અને સંસ્કૃતિના ભાવિ પર ઊંડાણપૂર્વક ચર્ચાઓ યોજાશે.
કાર્યક્રમના બીજા દિવસે, ૩૦ નવેમ્બરે તબલા વાદક બિક્રમ ઘોષના નાદથી વાતાવરણ ગુંજી ઉઠશે. આ દિવસે વારાણસીના લોકજીવન અને કિસ્સાઓ ઉપરાંત ભારતીય ફેશન અને ઓળખ બદલાતા સ્વરૂપો પર પ્રખ્યાત ડિઝાઇનર્સ અને વિશેષજ્ઞો ચર્ચા કરશે. પં. અંશુમાન મહારાજનું સરોદ વાદન, વિશાલ કૃષ્ણ દ્વારા બનારસ ઘરાનાનું કથક નૃત્ય અને પદ્મશ્રી રાજેશ્વર આચાર્યનું શાસ્ત્રીય ગાયન બનારસની સમૃદ્ધ સંગીતમય વિરાસતને જીવંત કરશે. ઝારખંડના મુણ્ડા આદિવાસીઓની પરંપરાગત નૃત્ય કૃતિ અને નોબેલ વિજેતા અભિજીત વિનાયક બેનર્જી દ્વારા 'બનારસ: ધ ઇકોનોમિક્સ ઓફ ટેલેન્ટ એન્ડ હેરીટેજ' વિષય પરનું વક્તવ્ય આ કાર્યક્રમની વૈચારિક સમૃદ્ધિમાં વધુ વધારો કરશે.
સમગ્ર આયોજન માત્ર કલા અને મનોરંજન પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે આધ્યાત્મિકતા અને યુવા પેઢીના સંબંધોને પણ સ્પર્શે છે, જેમાં વૃંદાવનના 'જેન ઝી બાબા' શાશ્વત આચાર્યજી અને બાગેશ્વર ધામના આચાર્ય ધિરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની ઉપસ્થિતિ પણ નોંધપાત્ર રહેશે. અંતમાં 'ભજન સે બીટ્સ તક' સત્ર દ્વારા આ ભવ્ય સાંસ્કૃતિક મહાકુંભનું સમાપન થશે. વારાણસીની સાંસ્કૃતિક અને સર્જનાત્મક ઓળખને વૈશ્વિક સ્તરે ઉજાગર કરતા આ મંચ પરથી કલા, સાહિત્ય, અર્થશાસ્ત્ર અને જાહેર નીતિ જેવા વિવિધ ક્ષેત્રોના દિગ્ગજો એક જ છત નીચે ભેગા મળીને ભવિષ્યની રૂપરેખા તૈયાર કરશે.
