અમેરિકાના દક્ષિણ કેરોલિના રાજ્યના લેક્સિંગ્ટન કાઉન્ટીમાંથી એક હૃદયદ્રાવક અને એટલી જ ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં સોમવારે એક ૧૧ મહિનાનો માસૂમ બાળક કોઆ શાર્પ રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગયો હતો. બાળકનાિતાની ગેરહાજરીમાં તેની સંભાળ રાખવા માટે જવાબદાર તેના ૨૫ વર્ષીય પિતા માઈકલ કોમેર બાળકને લઈને અચાનક અદ્રશ્ય થઈ ગયા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસ અને સુરક્ષાકર્મીઓ સહિત આશરે ૧૦૦ જેટલા કર્મચારીઓની ટીમે વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સીસીટીવી ફૂટેજની તપાસ બાદ પોલીસે પિતાને સોમવારે રાત્રે જ ઝડપી લીધા હતા, પરંતુ માસૂમ બાળકનો કોઈ પત્તો લાગ્યો ન હતો.
સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસ અધિકારીઓ જ્યારે એક જંગલ વિસ્તારમાં તપાસ કરી રહ્યા હતા, ત્યારે તેમને એક જગ્યાએ તાજેતરમાં જ ખોદવામાં આવેલી શંકાસ્પદ માટી જોવા મળી હતી. આ માટીને હટાવીને તપાસ કરતા જમીનમાંથી નાના બાળકના રડવાનો અવાજ સંભળાયો હતો. પોલીસ ટીમે ત્વરિત કાર્યવાહી કરીને માટી ખોદી તો સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા; જમીનની અંદર આશરે એક ફૂટ ઊંડાણમાં એક ટૉવેલથી વીંટેલો ડૉગ ક્રેટ દટાયેલો હતો અને તેની અંદર આ ૧૧ મહિનાનો બાળક માટીથી ખરડાયેલી હાલતમાં કેદ હતો. પોલીસ અધિકારીઓએ ભારે જહેમત અને કટોકટીભર્યા પ્રયાસો બાદ બાળકને આ ભયાનક સ્થળેથી બહાર કાઢ્યો હતો અને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો હતો.
તપાસકર્તાઓ માટે સૌથી મોટો પ્રશ્ન એ હતો કે આ માસૂમ બાળક જમીનની અંદર પૂરા ૨૪ કલાક સુધી કેવી રીતે જીવિત રહી શક્યો? અધિકારીઓના જણાવ્યા અનુસાર, ક્રેટની આસપાસ વીંટેલા ટૉવેલના કારણે અંદર હવાની અવરજવર માટેનું એક નાનું પોકેટ (એર પૉકેટ) બની ગયું હશે, જેના કારણે બાળક શ્વાસ લઈ શક્યો અને તેનો ચમત્કારિક બચાવ થયો. હોસ્પિટલમાં થોડા સમયની સારવાર બાદ મંગળવારે રાત્રે જ બાળકને રજા આપવામાં આવી છે અને હાલ તે સંપૂર્ણપણે સ્વસ્થ છે. બીજી તરફ, ક્રૂરતાની આ હદ પાર કરનાર પિતા માઈકલ કોમેર સામે હત્યાના પ્રયાસ, બાળ પ્રત્યે અમાનવીય વર્તન અને અપહરણ સહિતના ગંભીર ગુનાઓ નોંધવામાં આવ્યા છે.
