JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
આરોગ્ય

નિયમિત નાઈટ શિફ્ટથી હૃદયની રચના પર ગંભીર અસર: વૈજ્ઞાનિક રિસર્ચમાં થયો મોટો ખુલાસો

નિયમિત નાઈટ શિફ્ટથી હૃદયની રચના પર ગંભીર અસર: વૈજ્ઞાનિક રિસર્ચમાં થયો મોટો ખુલાસો
આજના બદલાતા વર્ક કલ્ચરમાં નિયમિત નાઈટ શિફ્ટ કરવાનું શરીર અને હૃદયના સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. તાજેતરના એક વૈજ્ઞાનિક અભ્યાસમાં રાત્રે કામ કરવાથી હૃદયની સંરચનામાં થતા ફેરફારો અને સ્વાસ્થ્ય પર પડતી તેની વિપરીત અસરો સામે આવી છે.

આજના આધુનિક અને ઝડપી યુગમાં નોકરી અને વ્યવસાયનું સ્વરૂપ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. આઈટી સેક્ટર, કોલ સેન્ટર, હોસ્પિટલો, ફેક્ટરીઓ અને સુરક્ષા જેવી આવશ્યક સેવાઓમાં મોટી સંખ્યામાં યુવાનો અને કર્મચારીઓ રાતની શિફ્ટમાં એટલે કે નાઈટ શિફ્ટમાં ફરજ બજાવે છે. કેટલાક લોકો માટે આ આજીવિકાની મજબૂરી છે તો વળી કેટલાક લોકો વધુ કમાણી કે અન્ય સુવિધાના કારણે તેને અપનાવે છે. શરૂઆતમાં રાત્રે જાગવું અને દિવસે ઊંઘવું સામાન્ય બાબત લાગે છે, પરંતુ લાંબા ગાળે આ અકુદરતી દિનચર્યા માનવ શરીરની બાયોલોજિકલ ક્લોક અને આંતરિક સ્વાસ્થ્ય પર ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.

આ ગંભીર વિષય પર યુરોપિયન હાર્ટ જર્નલ-કાર્ડિયોવાસ્ક્યુલર ઇમેજિંગમાં તાજેતરમાં જ એક ચોંકાવનારો સ્ટડી પ્રકાશિત કરવામાં આવ્યો છે. 'યુકે બાયોબેંક' સાથે જોડાયેલા આશરે 42,671 લોકોના સ્વાસ્થ્ય ડેટાનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવામાં આવ્યું હતું, જેમાં સરેરાશ 52 વર્ષની વયના 1,322 નિયમિત નાઈટ શિફ્ટ કરનારા કર્મચારીઓ સામેલ હતા. સંશોધકોએ કાર્ડિયાક મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ (હાર્ટ MRI) દ્વારા આ તમામ લોકોના હૃદયની સંરચના અને કાર્યપ્રણાલીનો અભ્યાસ કર્યો હતો. રિસર્ચના ચોંકાવનારા પરિણામોમાં એવું જાણવા મળ્યું કે નિયમિત રાત્રે કામ કરતા લોકોના હૃદયના મુખ્ય પમ્પિંગ ચેમ્બરની દીવાલો સામાન્ય કરતા થોડી વધુ જાડી બની જાય છે અને કેટલાક ચેમ્બરનું કદ પણ નાનું થઈ જાય છે.

જોકે, રાહતની વાત એ છે કે હૃદયની પમ્પિંગ ક્ષમતા દર્શાવતા 'ઇજેક્શન ફ્રેક્શન'માં કોઈ મોટો તફાવત જોવા મળ્યો નથી, જેનો અર્થ એ થાય છે કે તમામ કર્મચારીઓનું હૃદય અચાનક નબળું નથી પડી ગયું. પરંતુ, હૃદયની તસવીરોની સાથે લોહીની તપાસમાં પણ ચિંતાજનક તથ્યો બહાર આવ્યા છે. નિયમિત નાઈટ શિફ્ટ કરનારાઓમાં હૃદય માટે ફાયદાકારક ગણાતા ઓમેગા-3 ફેટી એસિડ (DHA)નું સ્તર ઓછું અને ટ્રાઇગ્લિસરાઇડ્સ તેમજ સોજા સંબંધિત તત્વોનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે. આ રિસર્ચ સ્પષ્ટ કરે છે કે મોડી રાત સુધી જાગીને કામ કરવાની આદત ભવિષ્યમાં હૃદય રોગનું જોખમ વધારી શકે છે, તેથી સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેતી રાખવી અનિવાર્ય છે.

આરોગ્ય વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES