દેશભરમાં વધી રહેલા સિઝેરિયન ડિલિવરીના પ્રમાણને ધ્યાનમાં રાખીને સોસાયટી ઓફ મિડવાઇવ્ઝ ઇન્ડિયા (SOMI) દ્વારા રાષ્ટ્રવ્યાપી 'નેશન-વાયડ વોક ફોર નેચરલ બર્થિંગ' અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે જામનગર ખાતે સરકારી નર્સિંગ કોલેજ અને SOMI ગુજરાતના સંયુક્ત तत्वाधानમાં એક ભવ્ય જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગરના મેયર મોનિકાબેન વ્યાસે આ રેલીને ઉત્સાહભેર પ્રસ્થાન કરાવ્યું હતું. SOMIનાં સ્થાપક અધ્યક્ષ ડૉ. પ્રકાશમ્મા, પ્રમુખ ડૉ. ઉષા ઉકાંડે અને ઉપપ્રમુખ જસુબેન પાટીદારના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ પહેલમાં નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ ભારતીબેન સનાડિયાના નેતૃત્વ હેઠળ કોલેજનો સ્ટાફ, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.
આ કાર્યક્રમ દરમિયાન મેયર મોનિકાબેન વ્યાસે પોતાના અંગત પ્રસૂતિના અનુભવો શેર કરતા યુવા પેઢીને કુદરતી પ્રસૂતિ અંગે સકારાત્મક અભિગમ કેળવવા અને આત્મવિશ્વાસ વધારવા પર ભાર મૂક્યો હતો. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પંકજ કુમારે પણ આ અવસરે ઉપસ્થિત રહીને સિઝેરિયન પ્રસૂતિના વધી રહેલા આંકડાઓ સામે ચિંતા વ્યક્ત કરી હતી. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-૫ના આંકડા મુજબ દેશમાં ૨૧.૫ ટકા અને ગુજરાતમાં ૨૧ ટકા પ્રસૂતિ સિઝેરિયન દ્વારા થાય છે, જ્યારે ખાનગી હોસ્પિટલોમાં આ પ્રમાણ વધુ ઊંચું છે. આ સ્થિતિને બદલવા માટે કુદરતી પ્રસૂતિના શારીરિક અને માનસિક ફાયદાઓ વિશે જનજાગૃતિ ફેલાવવી અત્યંત આવશ્યક હોવાનું તેમણે જણાવ્યું હતું.
આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈ પણ તબીબી જરૂરિયાત વગર થતી સિઝેરિયન પ્રસૂતિ સામે જાગૃતિ લાવવાનો અને લોકોની માનસિકતા બદલવાનો હતો. આયોજકોએ સ્પષ્ટ કર્યું હતું કે તબીબી મુશ્કેલી કે કટોકટીના સમયે સિઝેરિયન ડિલિવરી માતા અને બાળકના જીવનની રક્ષા માટે અનિવાર્ય છે, પરંતુ જ્યારે બંને પક્ષે સ્વાસ્થ્ય સારું હોય ત્યારે કુદરતી પ્રસૂતિને જ પ્રાથમિકતા આપવી જોઈએ. આ સફળ આયોજન દ્વારા જામનગરના શહેરોમાં કુદરતી પ્રસૂતિના મહત્ત્વ વિશે એક સબળ સંદેશ પહોંચાડવામાં આવ્યો છે, જે ભવિષ્યમાં માતા અને બાળકના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
