તાજેતરના સમયમાં સોશિયલ મીડિયા અને અખબારોના માધ્યમથી એમ.પી. સ્વામી એટલે કે માધવપ્રિય સ્વામી અને ડી.પી. સ્વામી એટલે કે દર્શનપ્રિય સ્વામી દ્વારા વિવિધ સ્થળોએ લોકો સાથે છેતરપિંડી અને આર્થિક ગેરરીતિઓ આચરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. આ બંને વ્યક્તિઓ દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના નામનો દુરુપયોગ કરીને અજાણ્યા લોકો સાથે વ્યવહારો કરવામાં આવી રહ્યા હોવાની અનેક ફરિયાદો અને અહેવાલો વહેતા થયા હતા, જેના કારણે સત્સંગ સમાજમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.
આ સમગ્ર પ્રકરણની ગંભીરતાને ધ્યાનમાં લઈને શ્રી સ્વામિનારાયણ મંદિર, વડતાલ દ્વારા સત્તાવાર રીતે જાહેર સ્પષ્ટતા કરવામાં આવી છે. વડતાલ સંસ્થાના જણાવ્યા અનુસાર, આ બંને વ્યક્તિઓ વડતાલ મંદિરના સત્તાવાર ચોપડામાં ક્યારેય રજીસ્ટર થયેલા ત્યાગી કે દીક્ષિત સંતો નથી. વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય કે તેની વહીવટી વ્યવસ્થા સાથે આ બંનેનો દૂર-દૂર સુધી કોઈ જ અધિકૃત સંબંધ કે નાતો નથી, છતાં સંપ્રદાયના પ્રભાવનો ગેરલાભ લઈને તેઓ પોતાની ઓળખ ઉભી કરી રહ્યા છે.
વડતાલ સંસ્થા દ્વારા સમગ્ર સત્સંગ સમાજ, પત્રકાર મિત્રો અને જાહેર જનતાને ખાસ અપીલ કરવામાં આવી છે કે આ અનધિકૃત વ્યક્તિઓની કોઈપણ ગેરરીતિ, છેતરપિંડી કે શંકાસ્પદ પ્રવૃત્તિઓ સાથે વડતાલ મંદિર કે સંસ્થાનું નામ જોડવામાં ન આવે. નાગરિકોએ પણ આવા અજાણ્યા કે અનધિકૃત લોકોના પ્રલોભનોથી સાવચેત રહેવું અને કોઈપણ પ્રકારની સત્યતાની ખાતરી કર્યા વગર તેમની સાથે આર્થિક કે અન્ય વ્યવહારો ન કરવા માટે ભારપૂર્વક જણાવાયું છે.
