રાજકોટ બાર એસોસિએશનની આગામી ચૂંટણીને લઈને વકીલ આખામાં ભારે ઉત્સાહ અને ગરમાવો જોવા મળી રહ્યો છે. ચૂંટણી પ્રક્રિયાને ન્યાયી અને શિસ્તબદ્ધ રીતે પાર પાડવા માટે એડવોકેટ અતુલભાઈ દવે, જયેશભાઈ અતીત, કેતનભાઈ શાહ અને ગિરિરાજસિંહ જાડેજાને ચૂંટણી કમિશનર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આ નિમણૂક બાદ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કાર્યક્રમ મુજબ, ૨૩ નવેમ્બરે મતદાર યાદી નોટિસ બોર્ડ પર પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે. મતદાર યાદી સામેના વાંધાઓ ૨૫ થી ૨૭ નવેમ્બર દરમિયાન રજૂ કરી શકાશે, જ્યારે ૩૦ નવેમ્બરે આખરી મતદાર યાદી જાહેર કરવામાં આવશે. આ ચૂંટણીમાં 'વન બાર, વન વોટ'ના સિદ્ધાંતનું ચુસ્તપણે પાલન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ચૂંટણી અધિકારીઓની નિમણૂક થતાની સાથે જ રાજકોટના વકીલોમાં રાજકીય માહોલ જામી ગયો છે અને ઉમેદવારોએ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે. ગત ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જોવા મળ્યો હતો, પરંતુ આ વખતે માત્ર બે મુખ્ય પેનલ સામસામે ટકરાય તેવી પ્રબળ સંભાવના છે. પ્રમુખ પદ માટે વર્તમાન પ્રમુખ સુમિત વોરાએ ફરી મેદાને ઉતરવાનો નિર્ણય કર્યો છે, તો બીજી તરફ પૂર્વ પ્રમુખ બકુલભાઈ રાજાણીએ પણ ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. કારોબારી પદ માટે નિખિલ ઝાલાવાડીયાએ પણ દાવેદારી નોંધાવીને સોશિયલ મીડિયા પર પ્રચાર ધમધમાટ શરૂ કરી દીધો છે. ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ૧ થી ૫ ડિસેમ્બર સુધી ચાલશે અને ૯ ડિસેમ્બરે ચકાસણી તથા નામ પરત ખેંચવાની પ્રક્રિયા બાદ આખરી ઉમેદવાર યાદી જાહેર થશે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સર્વાનુમતે થયેલા ઠરાવ અનુસાર રાજકોટ સહિત રાજ્યના તમામ ૨૮૨ બાર એસોસિએશનોની ચૂંટણી આગામી ૧૮ ડિસેમ્બર, ૨૦૨૬ના રોજ યોજાનાર છે. આ વખતની ચૂંટણીનું એક વિશેષ આકર્ષણ એ છે કે ટ્રેઝરર પદ તેમજ કારોબારીની કુલ બેઠકોમાંથી ૩૦ ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે, જે મહિલા વકીલો માટે સંતોષજનક પગલું છે. ચૂંટણી અધિકારીઓ દ્વારા પારદર્શક આયોજન અને નિયમોનુસારની પ્રક્રિયાને કારણે તમામ ધારાશાસ્ત્રીઓમાં ઉત્સુકતા વધી ગઈ છે. આગામી ૧૮ ડિસેમ્બરે યોજાનાર મતદાનમાં રાજકોટના વકીલો કોના પર પસંદગીનો કળશ ધારે છે અને કઈ પેનલ બાજી મારે છે તે તો આવનારો સમય જ નક્કી કરશે.
