રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં હાલ શિયાળાની ઋતુ દરમિયાન તાપમાનમાં સતત વધઘટ અને વેરીએશન જોવા મળી રહ્યું છે. રાજ્યના મોટાભાગના સેન્ટરોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા ૧ થી ૩ ડિગ્રી સુધી ઊંચું નોંધાઈ રહ્યું છે, જેના કારણે લોકોને મિશ્ર વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે. હવામાનના જાણીતા અભ્યાસકાર અશોકભાઈ પટેલના જણાવ્યા મુજબ, હાલ મોટાભાગના કેન્દ્રોમાં સામાન્ય લઘુત્તમ તાપમાન ૧૭ ડિગ્રી આસપાસ ગણાય છે, પરંતુ વર્તમાન સ્થિતિમાં અમદાવાદ, વડોદરા અને ડીસા જેવા શહેરોમાં પારો સામાન્ય કરતા થોડો ઉપર ચાલી રહ્યો છે, જ્યારે અમરેલી, ભુજ અને રાજકોટમાં તે સરેરાશ કરતા આશરે એક ડિગ્રી નીચો પણ જોવા મળ્યો છે.
આગામી ૩૦ નવેમ્બર સુધીના હવામાનની સ્થિતિ સ્પષ્ટ કરતા તેઓએ જણાવ્યું છે કે આ સમયગાળા દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ઘટાડો કે વધારો થવાની કોઈ સંભાવના નથી. મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન ૧૫ થી ૧૮ ડિગ્રીની રેન્જમાં રહેશે, જ્યારે કેટલાક ચૂંટેલા સેન્ટરોમાં આ તાપમાન ૧૪ થી ૧૭ ડિગ્રી સુધી પણ નીચે જઈ શકે છે. ખાસ કરીને આગામી ૨૬ અને ૨૭ નવેમ્બરના રોજ પવન અને વાતાવરણની સ્થિતિને કારણે લઘુત્તમ તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાઈ શકે છે, જેથી નાગરિકોને સવારના સમયે ઠંડીનો વધુ અહેસાસ થઈ શકે છે.
બીજી બાજુ, દિવસના મહત્તમ તાપમાનની વાત કરીએ તો હાલ રાજ્યમાં નોર્મલ મહત્તમ તાપમાન ૩૧.૫ થી ૩૨ ડિગ્રીની આસપાસ ચાલી રહ્યું છે. આગામી દિવસોમાં પણ મહત્તમ તાપમાન આ જ સામાન્ય રેન્જની આસપાસ અથવા તેનાથી થોડું ઉપર જ રહેવાની પૂરી શક્યતા છે. આમ, આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં ઠંડીનું જોર એકધારી રીતે વધવાને બદલે મિશ્ર અને યથાવત સ્વરૂપમાં જળવાઈ રહેશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
