JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
હવામાન

સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં સતત વધઘટ: નલિયા 11.2 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર, તાપમાન ઉંચકાતા રાહત

સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં સતત વધઘટ: નલિયા 11.2 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર, તાપમાન ઉંચકાતા રાહત
સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં ઠંડીના જોરમાં સતત વધઘટ જોવા મળી રહી છે. રવિવારે કડકડતી ઠંડી અનુભવાયા બાદ આજે તાપમાન પારો થોડો ઉંચકાતા લોકોએ ગુલાબી ઠંડીનો અનુભવ કર્યો હતો.

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં શિયાળાની મોસમ રંગ પકડી રહી છે, જોકે તાપમાનના આંકડાઓમાં સતત થઈ રહેલી વધઘટ લોકોને આશ્ચર્યચકિત કરી રહી છે. ગત રવિવારે રાતોરાત તાપમાનમાં ચારથી સાત ડિગ્રીનો ઘટાડો નોંધાતા રાજ્યભરમાં અચાનક જ કડકડતી ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. જેના કારણે સિઝનમાં પહેલીવાર નાગરિકોએ પોતાના વોર્ડરોબમાંથી ગરમ વસ્ત્રો અને સ્વેટર બહાર કાઢવાની ફરજ પડી હતી. જોકે, આ સ્થિતિ લાંબો સમય ટકી ન હતી અને સોમવારે સવાર સુધીમાં ન્યૂનતમ તાપમાનનો પારો ફરીથી થોડો ઉપર ચઢતા લોકોએ થોડી રાહત અનુભવી હતી અને માત્ર ગુલાબી ઠંડીનો અહેસાસ કર્યો હતો.

વિવિધ શહેરોના તાપમાન પર નજર કરીએ તો, ઉત્તર ગુજરાત અને કચ્છના પંથકોમાં ઠંડીનું જોર હજુ પણ યથાવત છે. આજે કચ્છનું નલિયા ૧૧.૨ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે પ્રદેશનું સૌથી ઠંડુ સ્થળ રહ્યું હતું. જ્યારે અમરેલીમાં ૧૫.૪ ડિગ્રી, રાજકોટમાં ૧૬ ડિગ્રી અને ભૂજમાં ૧૫.૭ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત ભાવનગરમાં ૧૯.૨, દ્વારકામાં ૧૯.૩, સુરેન્દ્રનગરમાં ૧૮ અને વેરાવળમાં ૨૨ ડિગ્રી તાપમાન રહ્યું હતું. જામનગરની વાત કરીએ તો દેવદિવાળીના શુભારંભ સાથે જ શહેરમાં ઠંડીનું આગમન થઈ ચૂક્યું છે, જ્યાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન લઘુતમ તાપમાન ૧૯ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૩૦ ડિગ્રી જેટલું નોંધાયું છે.

કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં થયેલી ભારે બરફવર્ષા અને તેના કારણે ફૂંકાયેલા ઠંડા ઉત્તરીય પવનોની સીધી અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ચાર દિવસ દરમિયાન તાપમાનમાં બે થી ચાર ડિગ્રી સેલ્સિયસનો વધારો કે ઘટાડો થઈ શકે છે, જેના કારણે કડકડતી ઠંડી ફરીથી ગુલાબી ઠંડીમાં તબદીલ થતી રહેશે. ઠંડીના આ અસ્થિર માહોલ વચ્ચે બજારમાં ગરમ વસ્ત્રોની ખરીદી માટે લોકોની ભીડ જામી રહી છે અને રાત્રે પંખા તથા એસી બંધ કરવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

હવામાન વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES