અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાળા ગામે જીએસપીએલ (GSPL) કંપનીની ગેસ પાઇપલાઇનના વળતરની માંગ સાથે છેલ્લા પાંચ દિવસથી વધુ સમયથી સ્થાનિક ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન ચલાવવામાં આવી રહ્યું હતું. આંદોલન વધુ ઉગ્ર બનતા 'આપ'ના આગેવાન બ્રિજરાજ સોલંકી પણ વિરોધ સ્થળ પર પહોંચ્યા હતા અને ખેડૂતોના સમર્થનમાં પાઇપલાઇન માટે ખોદવામાં આવેલી ગટરમાં માટી પુરવાની કામગીરી શરૂ કરી હતી. આ દરમિયાન પરિસ્થિતિ તંગ બનતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને કામગીરી અટકાવવાનો પ્રયાસ કરતા પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી તથા તણાવ સર્જાયો હતો.
પોલીસ દ્વારા 'આપ' નેતા બ્રિજરાજ સોલંકીની અટકાયત કરવામાં આવતા સ્થળ પર હાજર લોકોમાં ભારે રોષ ફેલાયો હતો, જેણે થોડી જ વારમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આંદોલનકારીઓ, પોલીસ અને કંપનીના કર્મચારીઓ વચ્ચે થયેલા હિંસક ઘર્ષણમાં કોદાળી, પાવડા અને પથ્થરો વડે હુમલો કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો થયા છે. આ તોફાનો દરમિયાન કેટલાક પોલીસ જવાનો અને ખેડૂતોને ઇજાઓ પહોંચી હતી તેમજ કંપની તથા પોલીસના વાહનોમાં વ્યાપક તોડફોડ કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ભારે અરાજકતા અને તંગદિલીનો માહોલ છવાઈ ગયો હતો.
આ ગંભીર ઘટનાની નોંધ લઈને કોઠ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ હત્યાનો પ્રયાસ, ગેરકાયદેસર મંડળી રચવી, ઘાતક હથિયારો સાથે તોફાન કરવું અને સરકારી ફરજમાં રૂકાવટ સહિતના ગુનાઓ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે આ પ્રકરણે મુખ્ય સૂત્રધાર સમાન 'આપ' નેતા બ્રિજરાજ સોલંકી સહિત કુલ સાત આરોપીઓની ધરપકડ કરી બાવળા કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે તમામ આરોપીઓની સઘન પૂછપરછ અને તપાસ અર્થે તેમને 26 નવેમ્બર સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.
