અમદાવાદ શહેર પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નશાના કારોબાર સામે અત્યંત આક્રમક અને કડક વલણ અપનાવવામાં આવ્યું છે. સરખેજ વિસ્તારમાં આવેલા સન્યાસ આશ્રમ પાસે કૈલાશ તળાવ નજીક કિંમતી સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કરી રહેલા અસામાજિક તત્વો સામે વહીવટી તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અગાઉ પણ પોલીસ અને તંત્ર દ્વારા આ વિસ્તારમાં ડિમોલિશન કરવામાં આવ્યું હતું, છતાં કાયદાની કોઈ પરવા કર્યા વગર ગુનેગારોએ ફરીથી ગેરકાયદે બાંધકામ કરીને નશાનો કાળો કારોબાર ધમધમતો રાખ્યો હતો જેને કારણે તંત્રએ આ સખત પગલું ભરવું પડ્યું હતું.
આ ધડાકાભેર કાર્યવાહીના કેન્દ્રમાં સુનિતા રાઠોડ અને તેના પતિ દીપકકુમાર રાઠોડ નામના દંપતીની ગેરકાયદે પ્રવૃત્તિઓ રહી છે, જેઓ વિરુદ્ધ સરખેજ સહિતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં પ્રોહિબિશન અને NDPS એક્ટ હેઠળ અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. અગાઉ પોલીસ તપાસ દરમિયાન આ કુખ્યાત દંપતી પાસેથી બે કિલોથી વધુ ગાંજો અને 53 લાખ રૂપિયા જેટલી માતબર રોકડ રકમ પણ મળી આવી હતી. રાઠોડ દંપતી ઉપરાંત તેમની બાજુમાં જ રહેતા અને એનડીપીએસ (NDPS) ના ગુનામાં સંડોવાયેલા બાબુ ગુલાબ છારા અને તેની પત્ની શાંતા છારાના ગેરકાયદે મકાનને પણ તંત્ર દ્વારા જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું છે, જેઓ એક મહિના અગાઉ જ ગાંજાના કેસમાં ઝડપાયા હતા.
આ સંયુક્ત ઓપરેશન દરમિયાન જેવું બુલડોઝર અને ડિમોલિશનની કાર્યવાહી શરૂ થઈ કે તુરંત જ આરોપીઓના પરિવારજનોએ સ્વૈચ્છિક રીતે ઘરવખરીનો સામાન ખસેડીને બાંધકામ ખાલી કરવાનું શરૂ કરી દીધું હતું. સમાજમાં કાયદો અને વ્યવસ્થાનો કડક સંદેશો પહોંચાડવા માટે હાથ ધરેલી આ કાર્યવાહી બાદ હવે AMC વધુ એક્શન મોડમાં આવી ગયું છે. તંત્ર દ્વારા આસપાસના વિસ્તારમાં આવેલા અન્ય ગેરકાયદે દબાણો અને મકાનોને શોધી કાઢવા માટે સઘન સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે, અને આગામી દિવસોમાં પણ આવા નશાના સોદાગરો સામે કાયદાકીય સપાટો બોલાવવાની પાક્કી ખાતરી આપવા આવી છે.
