સુરતના વેડરોડ પર આવેલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં રાજકોટ ગુરુકુલ સંસ્થાનના ર૭૫ સાધુઓ અને દેશ-વિદેશના લાખો હરિભક્તોના આસ્થાના કેન્દ્ર સમાન શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીની દીક્ષાના ષષ્ઠીપૂર્તિ વર્ષ નિમિત્તે વિશેષ ધાર્મિક મહોત્સવ યોજાયો હતો. ચાતુર્માસના સમાપન અવસરે પ્રાતઃકાળે ભગવાને પંચામૃત તથા વિવિધ ફળોના રસથી અભિષેક પ્રાપ્ત કર્યો હતો, જ્યારે સાયંકાળે ફૂલપાંખડીઓથી ભવ્ય અભિષેક કરાયો હતો. આ પવિત્ર પ્રસંગે ઉપસ્થિત સંતોએ સ્વામીજીના જીવન અને તેમના મહાન કાર્યોને યાદ કરતા તેઓ ઉત્તમ સ્વાસ્થ્ય સાથે દીર્ધાયુ પ્રાપ્ત કરે તેવી ઈશ્વરને પ્રાર્થના કરી હતી.
મૂળ મોરબી જિલ્લાના વેજલપર ગામના વતની અને પૂર્વાશ્રમમાં દેવજીભાઈ કૈલા તરીકે ઓળખાતા શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીએ વર્ષ ૧૯૬૬માં પ્રબોધિની એકાદશીના દિવસે વડતાલ ધામમાં ભાગવતી દીક્ષા ગ્રહણ કરી હતી. રાજકોટ ગુરુકુલના સંસ્થાપક શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીના આજીવન સેવક તરીકે તેમણે ગુરુકુલ સંસ્થાનની ઉત્તરોત્તર પ્રગતિમાં મહત્વનું યોગદાન આપ્યું છે. માત્ર ૨૮ વર્ષની યુવાવસ્થામાં તેમને ટ્રસ્ટી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી, જે તેમણે અત્યંત નિષ્ઠા અને સમર્પણ ભાવથી નિભાવી છે. સાદગીભર્યું અને નિઃસ્પૃહી જીવન જીવતા સ્વામીશ્રીએ પોતાના સત્સંગ અને પ્રવચનોથી અનેક હરિભક્તોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આણ્યું છે.
અધ્યાત્મ અને સામાજિક સેવા ક્ષેત્રે અદ્ભુત યોગદાન આપનાર શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી આજે ૮૦ વર્ષની વયે પણ અવિરત સત્સંગ વિચરણ કરી રહ્યા છે. તેમણે ભારત ઉપરાંત અમેરિકા, કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા અને આફ્રિકા સહિતના અનેક દેશોમાં પ્રવાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના વિચારોનો વ્યાપ વધાર્યો છે. તેઓ દરરોજ નિયમિતપણે ત્રણ કલાક મંત્રલેખન અને ત્રણ કલાક સંતોની કથાનું શ્રવણ કરે છે તેમજ અત્યાર સુધીમાં પ્રેરણાદાયી ૨૩ પુસ્તકોની રચના પણ કરી છે. આ ભવ્ય મહોત્સવના અંતે ગુરુકુલ પરિવારના હરિભક્તો અને વિદ્યાર્થીઓએ ચાતુર્માસ દરમિયાન લીધેલા નિયમો ભગવાનના ચરણે સમર્પિત કર્યા હતા અને સૌએ સ્વામીશ્રીના દીર્ધાયુ માટે પ્રાર્થના કરી હતી.
