JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ધર્મ

રાજકોટમાં વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીના સાંનિધ્યે વીવાયઓ સૌરાષ્ટ્ર હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવનું ભૂમિપૂજન અને ભવ્ય અન્નકૂટ મનોરથ યોજાશે

રાજકોટમાં વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીના સાંનિધ્યે વીવાયઓ સૌરાષ્ટ્ર હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવનું ભૂમિપૂજન અને ભવ્ય અન્નકૂટ મનોરથ યોજાશે
આગામી ૨૫ અને ૨૬ નવેમ્બરે રાજકોટમાં વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીની પાવન ઉપસ્થિતિમાં પ્રેરણા મહોત્સવનું ભૂમિપૂજન તથા ભવ્ય અન્નકૂટ મનોરથના દર્શન યોજાશે.

રાજકોટ શહેરના ધાર્મિક આકાશમાં વધુ એક આધ્યાત્મિક ઉત્સવ ઉમેરાવા જઈ રહ્યો છે, જ્યાં વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીની મંગલ ઉપસ્થિતિમાં આગામી ૨૫ નવેમ્બરના રોજ 'વીવાયઓ સૌરાષ્ટ્ર હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ'ના સ્થળનું ભૂમિપૂજન સંપન્ન થશે. ૧૫૦ ફૂટ નવા રીંગ રોડ ખાતે સાંજે ૪:૩૦ કલાકે યોજાનાર આ ભૂમિપૂજન સમારોહને લઈને વૈષ્ણવ સમાજમાં અદ્ભુત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પ્રસંગે પૂજ્યશ્રીની મંગલ પધરામણી ૨૫ થી ૨૬ નવેમ્બર દરમિયાન રાજકોટની વીવાયઓ શ્રીનાથ ધામ હવેલી ખાતે રહેશે, જ્યાં અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

કાર્યક્રમની શૃંખલામાં ૨૬ નવેમ્બરના રોજ ગુરુવારે પૂજ્યશ્રીના મંગલ જન્મદિવસ અને પ્રભુ સુખાર્થે વીવાયઓ શ્રીનાથ ધામ હવેલી ખાતે ભવ્ય અન્નકૂટ મનોરથનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ દિવ્ય મનોરથમાં ૫૧ કિલો અન્ન (સખડી)ના શિખરની અતિ આકર્ષક અને દિવ્ય સજાવટ સાથે શ્રીજી પ્રભુને વિવિધ સામગ્રી અને ભોગ અર્પણ કરવામાં આવશે. સાંજે ૬:૦૦ કલાકથી પ્રભુ સુખાર્થે યોજાનાર આ ભવ્ય અન્નકૂટના અલૌકિક દર્શનનો લહાવો લેવા માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહેશે અને પૂજ્યશ્રીને તેમના જન્મદિવસ નિમિત્તે ભાવભીનું અભિવાદન પાઠવશે.

શહેરના મોટા મવા વિસ્તારમાં આવેલી વીવાયઓ શ્રીનાથ ધામ હવેલી છેલ્લા અનેક વર્ષોથી પુષ્ટિમાર્ગીય પ્રણાલી મુજબ ધાર્મિક, સાંસ્કૃતિક, સામાજિક અને માનવલક્ષી કાર્યોની સુવાસ અવિરતપણે પ્રસારી રહી છે. હવેલીઓની પ્રાચીન પરંપરા અનુસાર નૂતન વર્ષ અને ઉત્સવો નિમિત્તે શ્રી પ્રભુને અન્નકૂટના વિવિધ મિષ્ઠાન અને સામગ્રી ધરવાની પરંપરા રહી છે, જેની દિવ્ય સજાવટ હંમેશાં દર્શનીય અને રોમાંચક હોય છે. આ ભવ્ય આયોજનના માધ્યમથી રાજકોટના વૈષ્ણવોને પુષ્ટિમાર્ગીય સંસ્કૃતિના દર્શન અને ધર્મલાભ મેળવવાનો સુવર્ણ અવસર પ્રાપ્ત થશે.

ધર્મ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES