JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ધર્મ

રાજકોટમાં આવતીકાલે સાધ્વીજી શ્રી ઉર્મિલયશાશ્રીજી મહારાજ આદિ ઠાણાનું ચાતુર્માસ પરિવર્તન, ભાવિકો માટે નવકારશીનું આયોજન

રાજકોટમાં આવતીકાલે સાધ્વીજી શ્રી ઉર્મિલયશાશ્રીજી મહારાજ આદિ ઠાણાનું ચાતુર્માસ પરિવર્તન, ભાવિકો માટે નવકારશીનું આયોજન
રાજકોટના કાલાવાડ રોડ સ્થિત જય પારસધામ ખાતે મંગળવારે સાધ્વીજી શ્રી ઉર્મિલયશાશ્રીજી મહારાજ આદિ ઠાણાનું ચાતુર્માસ પરિવર્તન યોજાશે. આ પવિત્ર અવસરે શત્રુંજય પટ્ટદર્શન, ભવ્ય પ્રયાણ અને ભાવિકો માટે વિશેષ નવકારશીનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજકોટના કાલાવાડ રોડ પર આવેલા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન તપગચ્છ સંઘ શ્રી જય પારસધામના આંગણે આગામી મંગળવારે એક ભવ્ય ધાર્મિક અનુષ્ઠાન યોજાવા જઈ રહ્યું છે. પૂજ્યપાદ આચાર્ય દેવશ્રી જયશેખરસૂરીશ્વરજી મહારાજ સાહેબની દિવ્યકૃપા અને યુગદિવાકર આચાર્ય ભગવંત શ્રી ધર્મસૂરીશ્વરજી મ.સા. તેમજ ચાતુર્માસ અર્થે બિરાજમાન સાધ્વીજી શ્રી દિવ્યાશ્રીજી મ.સા.ના શિષ્યા પૂજ્ય સાધ્વીજી શ્રી ઉર્મિલયશાશ્રીજી મ.સા., સ્નેહલયશાશ્રીજી મ.સા., નિલરત્નાશ્રીજી મ.સા. અને તીર્થમાલાશ્રીજી મ.સા.નું ચાતુર્માસ પરિવર્તન થનાર છે. કારતક સુદ ૧૫ ને મંગળવાર તા. ૨૪ નવેમ્બર ૨૦૨૬ના રોજ સવારે ૬:૧૫ કલાકે ઉપાશ્રય હોલ ખાતે શત્રુંજય પટ્ટદર્શન અને ચૈત્યવંદન સાથે આ દિવસના ધાર્મિક કાર્યક્રમોનો શુભારંભ થશે.

સવારે ૭:૧૫ કલાકે પૂજ્ય સાધ્વીજી ભગવંતો ૨૧ ખમાસમણા બાદ શ્રી સંઘ સાથે વાજતે-ગાજતે ચાતુર્માસ પરિવર્તન માટે પ્રયાણ કરશે. આ પરિવર્તન દરમિયાન પૂજ્ય સાધ્વીજીઓ લાભાર્થી પરિવારો યુનિવર્સિટી રોડ સ્થિત રાજ એપાર્ટમેન્ટ ખાતે પધારીને ભક્તોને માંગલિક ફરમાવશે. માંગલિક પૂર્ણ થયા બાદ પધારેલા સમસ્ત ભાવિક ભક્તો માટે વિશેષ નવકારશીનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર ધાર્મિક મહોત્સવના લાભાર્થી તરીકે માલતીબેન જગદીશભાઈ ટોળીયા પરિવાર, હેમલતાબેન રસીકભાઈ લાઠીયા પરિવાર અને કોકીલાબેન બકુલભાઈ દોશી પરિવાર સેવા આપી રહ્યા છે. સાધ્વીજી ભગવંતો દ્વારા ચાતુર્માસ દરમિયાન વરસાવેલ અવિરત જ્ઞાનધારા અને દેશનાનું ઋણ અદા કરવા માટે સકળ સંઘના ભાઈઓ-બહેનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા આયોજકો દ્વારા નમ્ર અપીલ કરવામાં આવી છે.

આ ઉપરાંત, અવધ રોડ સ્થિત જયાનંદ ધામ નવગ્રહ જિનાલયના આંગણે પણ મંગળવારે સવારે ૬:૩૦ કલાકે આદિશ્વર દાદાનો વિશેષ અભિષેક અને પક્ષાલ વિધિ યોજાશે. આ પવિત્ર પ્રસંગે ઉપસ્થિત રહેનાર ભાવિક ભક્તો માટે ભાતાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, જેના લાભાર્થી તરૂણભાઈ જે. મહેતા પરિવાર તરફથી શ્રીમતી ભારતીબેન મહેતા છે. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સંઘના અગ્રણીઓ મહેશભાઈ મણિયાર, વિપુલભાઈ દોશી, નિતેશભાઈ શાહ, કેતનભાઈ રાવલીયા, વિશાલભાઈ શાહ, નિર્મલભાઈ શાહ, કેતનભાઈ દોશી અને દીપકભાઈ શેઠ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે અને ધર્મપ્રેમી જનતાને આ ધાર્મિક લાભ લેવા આમંત્રણ પાઠવ્યું છે.

ધર્મ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES