JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

કલ્યાણપુરના ડાંગરવડ ગામે મધ્યરાત્રિએ જુગારના અખાડા પર એલસીબીના દરોડા, મહિલા સંચાલક સહિત સાત ઝડપાયા

કલ્યાણપુરના ડાંગરવડ ગામે મધ્યરાત્રિએ જુગારના અખાડા પર એલસીબીના દરોડા, મહિલા સંચાલક સહિત સાત ઝડપાયા
જામ ખંભાળિયાના ડાંગરવડ ગામે મધરાત્રે એલસીબી પોલીસે મહિલા દ્વારા ચલાવાતા જુગારધામ પર સપાટો બોલાવ્યો હતો. આ દરોડામાં રૂ. ૨.૨૧ લાખના મુદ્દામાલ સાથે સાત ઇસમો પકડાઈ જતા અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે.

કલ્યાણપુર તાલુકાના અંતરિયાળ ગણાતા ડાંગરવડ ગામે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે સ્થાનિક પોલીસ સતર્ક બની છે. એલસીબીના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશીના સચોટ માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન સ્ટાફના હેડ કોન્સ્ટેબલ ખીમાણંદભાઈ આંબલીયા અને પીઠાભાઈ ગોજીયાને મળેલી ગુપ્ત બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. ડાંગરવડ ગામે રહેતી મંજુબેન સામતભાઈ મોઢવાડિયા નામની ૫૨ વર્ષીય મહિલા પોતાના જ મકાનમાં બહારથી લોકોને બોલાવીને જુગાર રમાડતી હોવાની પાકી માહિતી મળી હતી.

મળેલી બાતમીને આધારે એલસીબીની ટીમે મધ્યરાત્રિના આશરે દોઢ વાગ્યાના સુમારે ડાંગરવડ ખાતેના મંજુબેનના મકાન પર અચાનક દરોડો પાડ્યો હતો. આ મકાનમાં મહિલા સંચાલક દ્વારા પોતાના અંગત આર્થિક ફાયદા માટે બહારથી માણસો ભેગા કરી લાઈટ, પાણી અને જુગારના સાધનોની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ નાલ ઉઘરાવીને જાહેરમાં જુગાર રમાડવામાં આવતો હતો. પોલીસના અચાનક આગમનથી જુગારીઓમાં દોડધામ મચી ગઈ હતી છતાં પોલીસે સ્થળ પરથી જ ઘેરાબંધી કરીને તમામ શખ્સોને દબોચી લીધા હતા.

પોલીસે આ દરોડા દરમિયાન મુખ્ય સંચાલક મંજુબેન સામતભાઈ મોઢવાડિયા ઉપરાંત શાંતિબેન ભીમાભાઈ મોઢવાડિયા, સતીબેન દેવાતભાઈ ડાંગર, રામ હરભમ અમર, અરજણ ઉર્ફે ભરત ગીગાભાઈ મોઢવાડિયા, માલદે ઉર્ફે ઓઘડ રાજુભાઈ કારાવદરા અને રાહુલ સામતભાઈ મોઢવાડિયાને ઝડપી લીધા હતા. સ્થળ પરથી રોકડ રૂ. ૧,૩૧,૨૦૦, રૂ. ૬૦,૦૦૦ ની કિંમતના ત્રણ મોટરસાયકલ અને રૂ. ૩૦,૦০০ ની કિંમતના ત્રણ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૨,૨૧,૨০০ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ કાયદેસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ક્રાઈમ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES