જામનગર ખાતે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા ભ્રષ્ટાચાર વિરુદ્ધ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદના નવરંગપુરા સ્થિત ઓડિટ ભવનમાં પીડી સેન્ટ્રલ હેઠળ આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર (વર્ગ-બી) તરીકે ફરજ બજાવતા વિનસકુમાર અમરચંદ સાવરીયા (ઉંમર 44) લાંચ લેતા ઝડપાયા છે. આ સમગ્ર ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે આરોપી અધિકારી અમદાવાદથી ખાસ જામનગર લાંચની રકમ સ્વીકારવા માટે પહોંચ્યા હતા અને એસીબીની ટીમે પૂર્વ આયોજિત છટકું ગોઠવીને તેમને પકડી લીધા હતા.
આ કેસની વિગતવાર માહિતી અનુસાર, ફરિયાદીની કંપનીના મેનેજિંગ ડિરેક્ટરે વર્ષ 2024-25 દરમિયાન ભરેલા ઇન્કમટેક્સ રિટર્નની ક્વેરીનું અગાઉ યોગ્ય નિરાકરણ આવી ગયું હતું. આ ક્લોઝ થઈ ચૂકેલા એસેસમેન્ટના ઓડિટ કેસને ભવિષ્યમાં ફરીથી રિઓપન ન કરવા અને કોઈ હેરાનગતિ ન થાય તે માટે ઓડિટ અધિકારી વિનસકુમાર સાવરીયાએ ફરિયાદી પાસે રૂબરૂમાં આડેધડ રૂ. 8 લાખની તોતિંગ લાંચની માંગણી કરી હતી. જો કે, ફરિયાદી કોઈપણ ભ્રષ્ટ આચરણ કે લાંચ આપવાના પક્ષમાં ન હોવાથી તેમણે આ મામલે તુરંત જ જામનગર એસીબીનો સંપર્ક કરીને લેખિત ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદીની સચોટ માહિતીના આધારે જામનગર એસીબી પોલીસ સ્ટેશનના પી.આઈ. એ.આર. ગોહિલ અને તેમની ટીમે રાજકોટ હાઇવે પર આવેલી ઇન્કમટેક્સ ઓફિસની બાજુમાં ત્રીમંદીર જવાના સાઇનબોર્ડ પાસે ગુપ્ત ઓપરેશન ગોઠવ્યું હતું. આ ટ્રેપ દરમિયાન આરોપીએ ખુશીથી ફરિયાદી પાસેથી આઠ લાખ રૂપિયાની લાંચ સ્વીકારી હતી, અને તે જ ક્ષણે એસીબીની સક્રિય ટીમે તેને રંગેહાથ દબોચી લીધો હતો. આ સમગ્ર સફળ ઓપરેશનમાં રાજકોટ એસીબીના મદદનીશ નિયામક જે.ડી. મેવાડાના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમે ઉત્કૃષ્ટ કામગીરી કરી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.
