દ્વારકાના જગત મંદિરમાં લાખો ભક્તો ભગવાન શ્રીકૃષ્ણના દર્શન માટે દૂર-દૂરથી આવતા હોય છે, પરંતુ હાલમાં આ પવિત્ર ધામમાં દર્શન વ્યવસ્થાને લઈને એક મોટો વિવાદ સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર એક કથિત ઓડિયોક્લિપ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં એક સ્થાનિક વ્યક્તિ અને તીર્થ પુરોહિત વચ્ચે VIP દર્શન બાબતે વાતચીત થઈ રહી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ વાયરલ ઓડિયોમાં મંદિરના કેટલાક લોકો દ્વારા દર્શનના નામે ભક્તો પાસેથી પિયાની લેવડદેવડ કરવામાં આવતી હોવાની વિગતો સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
વાયરલ થયેલી આ કથિત વાતચીતમાં ખુલાસો થયો છે કે દ્વારકા મંદિરમાં VIP દર્શન કરવા માટે પ્રતિ વ્યક્તિ દીઠ એક હજાર રૂપિયા જેટલી માતબર રકમ વસૂલવામાં આવે છે. એટલું જ નહીં, ઓડિયોમાં અગાઉ તેર જણાના તેર હજાર રૂપિયા એડવાન્સ લીધા હોવાની વાત પણ સ્પષ્ટપણે સાંભળવા મળી રહી છે, સાથે જ ત્રણ વ્યક્તિઓ માટે અઢી હજાર કે બે હજાર એકસો રૂપિયાની માંગણી કરવામાં આવી હોવાનો પણ ઉલ્લેખ છે. આ પ્રકારના ગંભીર આક્ષેપોથી સામાન્ય ભક્તોની આસ્થાને ઠેસ પહોંચી રહી છે અને ભગવાનના દરબારમાં પણ વહીવટી લાંચિયાશાહી ચાલતી હોવાની ચર્ચાઓ જોર પકડી રહી છે.
આ સમગ્ર પ્રકરણ બહાર આવ્યા બાદ યાત્રાધામમાં આવતા સામાન્ય શ્રદ્ધાળુઓ સાથે થઈ રહેલા ભેદભાવ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. મંદિરમાં લાંબી કતારોથી બચવા અને સરળતાથી દર્શન કરવા માટે રૂપિયા ખર્ચવા પડતા હોવાની આ ઘટનાએ મંદિર વ્યવસ્થાપન સમિતિ અને વહીવટી તંત્રની પારદર્શિતા સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ખડા કર્યા છે. ભક્તો અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા આ કથિત ઓડિયોની સઘન અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેમજ દોષિતો સામે કડક પગલાં લેવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે, જેથી યાત્રાધામની પવિત્રતા અને ગરિમા અક્ષ્ણુ રહે.
