ભારતીય નૌકાદળે અગ્નિવીરો માટેના નિયમોમાં મોટો ફેરફાર કરીને તેમને સેવાના વધારાના સમયગાળા દરમિયાન લગ્ન કરવાની મંજૂરી આપી દીધી છે. વર્ષ ૨૦૨૨ના અંતમાં ભરતી થયેલી નૌકાદળની અગ્નિવીરોની પ્રથમ બેચ ટૂંક સમયમાં જ તેના પ્રારંભિક ચાર વર્ષ પૂરા કરવા જઈ રહી છે, ત્યારે આ નીતિગત રાહત અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ છે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, જે અગ્નિવીરો ચાર વર્ષની ફરજ પૂરી કર્યા પછી બે વર્ષના એક્સટેન્શનનો વિકલ્પ પસંદ કરશે, તેઓ વ્યાવસાયિક અને ટ્રેડ-સ્પેશિફિક તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ લગ્ન કરવા માટે હકદાર બનશે. હાલની અગ્નિપથ યોજના હેઠળ પ્રારંભિક ચાર વર્ષના કાર્યકાળ દરમિયાન અગ્નિવીરો માટે લગ્નની મંજૂરી નથી, પરંતુ સેનાના આ નવા આદેશથી સૈનિકોના વ્યક્તિગત જીવનમાં મોટી રાહત મળશે.
ચીફ ઓફ ડિફરન્સ સ્ટાફ જનરલ એન. એસ. રાજા સુબ્રમણ્યમ દ્વારા તાજેતરમાં જ ‘સેકન્ડ ટૂર ઓફ ડ્યુટી’ ની જોહેરાત કરવામાં આવી હતી, જેના દ્વારા અગ્નિવીરોની સેવા અવધિ ચાર વર્ષથી વધારીને છ વર્ષ કરવામાં આવી છે. નૌકાદળના આ પગલા બાદ હવે ભારતીય લશ્કર અને ભારતીય વાયુસેના પણ પોતપોતાની નીતિઓ મુજબ અગ્નિવીરોને લગ્નની છૂટ આપવા અંગે વિચારણા કરી શકે છે. સરકાર દ્વારા આ યોજનાને વધુ આકર્ષક બનાવવા માટે બે વર્ષના એક્સટેન્શન દરમિયાન વેતન પણ વધારવામાં આવ્યું છે, જેમાં પ્રથમ વર્ષે દર મહિને ૪૩,૫૦૦ રૂપિયા અને બીજા વર્ષે ૪૭,૫૦૦ રૂપિયા તેમજ લાગુ પડતા ભથ્થાઓ આપવામાં આવશે, જ્યારે સરકારનું સેવા નિધિ ફંડમાં યોગદાન પણ વધીને ૭૦ ટકા થશે.
સરકાર દ્વારા અગ્નિવીરો માટે કાયમી સૈનિક તરીકે જોડાવાનો માર્ગ પણ ખુલ્લો રાખવામાં આવ્યો છે, જેથી જે સૈનિકો સેવામાં ચાલુ રહેવા ઈચ્છતા હોય અને નિર્ધારિત માપદંડો પૂરા કરતા હોય તેઓ નિયમિત નોકરી મેળવી શકે. સંરક્ષણ ક્ષેત્રમાં યુવાનોના આકર્ષણને જાળવી રાખવા અને તેમને કારકિર્દીની સાથોસાથ પારિવારિક જીવન ગોઠવવાની તક પૂરી પાડવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. નૌકાદળ દ્વારા આ અંગેના વિગતવાર આદેશો જારી કરી દેવામાં આવ્યા છે, જે અગ્નિવીરો માટે ભવિષ્યની સફરને વધુ સરળ અને સુરક્ષિત બનાવશે.
