ટેક્સાસમાં સ્વર્ગસ્થ લોની કે. લેબેટર જુનિયરના વિશાળ વારસાને લઈને તેમના સંતાનો અને પત્ની તાવની લેબેટર વચ્ચે ચાલી રહેલા કાનૂની જંગમાં નવો વળાંક આવ્યો છે. લોનીના સંતાનો ટ્રેસ અને કેન્ડલ દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી કે તેમના પિતાના અવસાન બાદ તાવની દ્વારા મિલકતો અને વસિયતનામું બદલાવવામાં અયોગ્ય દબાણ કરવામાં આવ્યું હતું. આ પરિવાર પાસે ટેક્સાસ અને ફ્લોરિડામાં વિશાળ ફાર્મહાઉસ, ખાનગી જેટ, યાટ, લક્ઝરી વાહનો, હેલિકોપ્ટર અને કરોડો રૂપિયાના બેંક ખાતાઓ છે. અગાઉની સુનાવણીમાં કોર્ટે સંપત્તિની સુરક્ષા માટે કેથરીન ગુડમેનને રીસીવર તરીકે નિયુક્ત કરી હતી અને મિલકતોની જાળવણી માટેના ખર્ચાઓ વ્યવસ્થિત રીતે ચલાવવાની સત્તા આપી હતી.
આ કેસમાં કાનૂની કાર્યવાહી દરમિયાન તાવની લેબેટર પર અદાલતના આદેશો વિરુદ્ધ જઈને નાણાં અને ખાતાઓનો બિનઅધિકૃત ઉપયોગ કરવાનો તેમજ મિલકતોના દસ્તાવેજોમાં હેરફેર કરવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો હતો. રીસીવર કેથરીન ગુડમેને કોર્ટ સમક્ષ ખુલાસો કર્યો હતો કે કેટલાક વ્યવહારો ગુપ્ત રીતે અને મંજૂરી વગર કરવામાં આવ્યા હતા, જેમાં રોકડ ચુકવણીઓ અને બેંક ખાતાઓમાં અનિયમિતતાઓ સામે આવી હતી. આ ગંભીર નાણાકીય અનિયમિતતાઓને ધ્યાનમાં રાખીને ટ્રાયલ કોર્ટે અગાઉ એક મિલિયન ડ્લરના બોન્ડ સાથે બીજો અસ્થાયી એસેટ ફ્રીઝ આદેશ જારી કર્યો હતો, જેમાં તાવની અને તેમના પરિવારને ચોક્કસ વાહનો, બેંક ખાતાઓ અને લક્ઝરી સંપત્તિઓનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
ટેક્સાસની સેકન્ડ કોર્ટ ઓફ અપીલ્સે ૧૯ નવેમ્બર ૨૦૨૬ના રોજ પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે અગાઉનો ફ્રીઝ આદેશ ખૂબ વ્યાપક અને અસ્પષ્ટ હતો, જેના કારણે કેટલાક ભાગો રદ કરવા પડ્યા છે. જો કે, જે બેંક ખાતાઓ અને મિલકતોના નામ તથા નંબરો સ્પષ્ટપણે સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે, તેના પરનો એસેટ ફ્રીઝનો આદેશ કાયમ રાખવામાં આવ્યો છે. કોર્ટે તાવનીની એ દલીલ પણ ફગાવી દીધી હતી કે કેટલીક સંપત્તિ લગ્ન પહેલાંની તેમની પોતાની હતી, કારણ કે તેઓ તેને સાબિત કરવા માટે પૂરતા પુરાવા કે દસ્તાવેજો રજૂ કરી શક્યા ન હતા. આ ચુકાદા સાથે ૧ મિલિયન ડ્લરનું અગાઉનું બોન્ડ પણ યથાવત રાખવામાં આવ્યું છે અને સમગ્ર કેસ આગામી કાર્યવાહી માટે લોઅર કોર્ટમાં પાછો મોકલવામાં આવ્યો છે.
