દેશભરમાં નેશનલ હાઈવે પર ટોલ ટેક્સ બચાવવાના હેતુથી પોતાના વાહનની નંબર પ્લેટ સાથે ચેડાં કરનારા કે તેના અંકો છુપાવનારા વાહનચાલકો સામે કેન્દ્ર સરકાર હવે અત્યંત સખત વલણ અપનાવી રહી છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ફી નિયમોમાં મહત્વપૂર્ણ સુધારો કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય હાઇવે પર થતી ટોલ ચોરીને સંપૂર્ણપણે ડામી દેવાનો છે. આ નવા નિયમો અમલમાં આવ્યા બાદ નિયમભંગ કરનારા વાહનમાલિકોને ભારે આર્થિક ફટકો પડશે કારણ કે તેમની પાસેથી સામાન્ય ટોલ ફી કરતાં ચારથી આઠ ગણો મોટો દંડ વસૂલવામાં આવશે.
સરકારની આ નવી દંડ પદ્ધતિ માત્ર આર્થિક બોજ વધારવા પૂરતી સીમિત નથી, પરંતુ તે હાલના પોલીસ ચલણથી તદ્દન અલગ રહેશે. અત્યાર સુધી મોટર વાહન અધિનિયમ (MV એક્ટ) હેઠળ નંબર પ્લેટ સાથે ચેડાં કરવા બદલ પહેલી વખત પકડાવા પર ૫,૦૦૦ રૂપિયા અને બીજી વખત ૧૦,૦૦૦ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે જે રાજ્ય પરિવહન વિભાગ દ્વારા વસૂલાય છે. પરંતુ હવે નવા નિયમ અનુસાર નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) જેવી એજન્સીઓને પણ નિયમિત ટોલ ફી ઉપરાંત ૪ થી ૮ ગણો દંડ સીધો જ વસૂલવાનો વિશેષ અધિકાર મળવા જઈ રહ્યો છે, જેના કારણે વાહનચાલકોએ બેવડો દંડ ભરવો પડી શકે છે.
આ કડક નિયમોના અમલીકરણ માટે અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે અને આગામી બે મહિનામાં દેશભરના ટોલ પ્લાઝા પર હાઇ-ટેક સિસ્ટમ કાર્યરત કરવામાં આવશે. હાઇ-રિઝોલ્યુશન કેમેરા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) યુક્ત આ સિસ્ટમ એવા વાહનોને તત્કાલિક શોધી કાઢશે જેની નંબર પ્લેટ વાળી દેવામાં આવી હોય કે જેના પર કોઈ વસ્તુ ચોંટાડીને અંકો છુપાવ્યા હોય. જોકે આવા વાહનો કુલ ટ્રાફિકના માત્ર ૨ થી ૪ ટકા જ છે, છતાં ભવિષ્યમાં મુસાફરી વધુ ઝડપી અને પારદર્શક બને તથા ૧૦0 ટકા વાહનો હાઇ-સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ (HSRP) સાથે સજ્જ થાય તે માટે સરકાર આ કડક પગલાં અનિવાર્ય માની રહી છે.
