ભારતના પ્રાઇસ-સેન્સિટિવ એટલે કે કિંમત પ્રત્યે સંવેદનશીલ બજારમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ સતત વધી રહી છે, જેને ધ્યાનમાં રાખીને કોલકાતા સ્થિત સરોગી ઇ-વેન્ચર્સની ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર બ્રાન્ડ 'ઇ-વેન્ટ' રૂ. ૧ લાખથી ઓછી કિંમતના સેગમેન્ટ પર વિશેષ ધ્યાન આપી રહી છે. કંપનીના સ્થાપક અને સીઈઓ ઉમંગ કુમાર સરોગીએ જણાવ્યું હતું કે, પરંપરાગત લિથિયમ-આયન બેટરીના વિકલ્પ તરીકે સોડિયમ-આયન બેટરી ટેક્નોલોજી ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. સલામતીના મામલે આ બેટરી વધુ સારી હોવાનું માનવામાં આવે છે, જોકે તેની ઊર્જા ઘનતા થોડી ઓછી હોવાથી બેટરી પૅક વજનમાં ભારે હોઈ શકે છે. આ ટેક્નોલોજી વ્યાપારી ધોરણે સફળ થવાથી ભારતમાં બેટરી ઉત્પાદનને વેગ મળશે અને વિદેશી આયાત પર નિર્ભરતા ઘટશે.
કંપની આગામી ડિસેમ્બર મહિનાથી સોડિયમ-આયન બેટરીથી સજ્જ સ્કૂટર્સનું પ્રાયોગિક પરીક્ષણ શરૂ કરવાની યોજના બનાવી રહી છે. બજારમાં નવા ઉત્પાદનો ઉતારતા પહેલા આ બેટરીની આર્થિક સધ્ધરતા અને ગ્રાહકોની સુવિધાનું મૂલ્યાંકન કરવામાં આવશે. હાલમાં કંપનીના મોટાભાગના મોડલ્સ લિથિયમ-આયન ટેક્નોલોજી પર આધારિત છે. રાષ્ટ્રીય સ્તરની મોટી બ્રાન્ડ્સ સામાન્ય રીતે પ્રીમિયમ મોડલ્સ અને મોટા શહેરો પર ધ્યાન કેન્દ્રિત કરતી હોય છે, જેના કારણે ટાયર-૩ શહેરો, ગ્રામ્ય વિસ્તારો અને મધ્યમ વર્ગના ગ્રાહકો માટે રૂ. ૧ લાખની મર્યાદામાં ભરોસાપાત્ર અને ઓછા મેન્ટેનન્સવાળા વાહનોની મોટી તક ઉપલબ્ધ છે.
ભારતના સામાન્ય નાગરિકો પોસાય તેવા ભાવે સ્માર્ટ અને પર્યાવરણ અનુકૂળ મુસાફરી કરી શકે તેવો કંપનીનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આક્રમક રાષ્ટ્રીય વિસ્તરણને બદલે કંપનીએ પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર, છત્તીસગઢ, ઓડિશા, આસામ, તેલંગાણા અને આંધ્રપ્રદેશ જેવા હાલના રાજ્યોમાં જ પોતાનું માળખું મજબૂત કરવા પર ભાર મૂક્યો છે. સ્થાનિક ડીલર નેટવર્ક અને માઉથ પબ્લિસિટીના આધારે કંપનીએ વેચાણમાં નોંધપાત્ર વધારો કર્યો છે. નાણાકીય વર્ષ ૨૦૨૬માં કંપનીનું ટર્નઓવર રૂ. ૫૦ કરોડને વટાવી ગયું છે અને ચાલુ નાણાકીય વર્ષમાં રૂ. ૬૫ કરોડની આવકનો લક્ષ્યાંક રાખવાની સાથે કંપની વર્ષ ૨૦૨૮ સુધીમાં નફાકારક બનવા તરફ આગળ વધી રહી છે.
