JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
આરોગ્ય

યુવાનોમાં રાત્રિ દરમિયાન ગભરાટ અને ચિંતાના હુમલામાં ચિંતાજનક ઉછાળો: હાર્ટ એટેક સમજી દર્દીઓ પહોંચી રહ્યા છે હોસ્પિટલ

Oct 06, 2026 | 15:01 | By JAMNAGAR MIRROR
યુવાનોમાં રાત્રિ દરમિયાન ગભરાટ અને ચિંતાના હુમલામાં ચિંતાજનક ઉછાળો: હાર્ટ એટેક સમજી દર્દીઓ પહોંચી રહ્યા છે હોસ્પિટલ

આજના ભાગદોડ અને તણાવપૂર્ણ જીવનમાં યુવા પેઢીમાં માનસિક સ્વાસ્થ્ય સંબંધિત ગંભીર સમસ્યાઓ ઝડપથી વધી રહી છે. ખાસ કરીને યુવાનોમાં રાત્રિના સમયે અચાનક પેનિક એટેક એટલે કે તીવ્ર ગભરાટ અને એન્ઝાયટીના હુમલાનું પ્રમાણ ચિંતાજનક સ્તરે પહોંચ્યું છે. અમદાવાદ સહિત રાજ્યના મુખ્ય શહેરોમાં તબીબોની રાત્રિ ઓપીડીમાં દરરોજ આવા સરેરાશ ત્રણથી ચાર કેસ સામે આવી રહ્યા છે. મોડી રાત્રે દર્દીઓને અચાનક શ્વાસ લેવામાં તકલીફ થવી, ધબકારા અનિયમિત અને અત્યંત ઝડપી થવા, છાતીમાં ભારેપણું લાગવું, પુષ્કળ પરસેવો વળવો અને કંઈક અઘટિત બનવાનો ભય સતાવવા જેવી તકલીફો જોવા મળે છે. આ લક્ષણો એટલા તીવ્ર હોય છે કે દર્દી અને તેમના પરિવારજનો તેને હૃદયરોગનો હુમલો માનીને હોસ્પિટલ દોડી આવે છે.

નિષ્ણાત તબીબોના જણાવ્યા મુજબ, મોડી રાત સુધી કામ કરવાની આદત, અનિદ્રા અને સતત માનસિક દબાણ આ સમસ્યા પાછળના મુખ્ય પરિબળો છે. આઈટી અને કોર્પોરેટ ક્ષેત્રમાં કામ કરતા યુવાનો આ પરિસ્થિતિનો સૌથી વધુ ભોગ બની રહ્યા છે. કલાકો સુધી લેપટોપ અને મોબાઈલ સ્ક્રીન સામે કામ કર્યા પછી પણ કામ અને ભવિષ્યની ચિંતા મગજમાંથી દૂર થતી નથી. જનરલ ફિઝિશિયન ડોક્ટર વિપુલ પ્રજાપતિએ જણાવ્યું છે કે રાત્રિ દરમિયાન આવા લક્ષણો સાથે આવતા દર્દીઓની સંખ્યા વધી રહી છે. જોકે, તેમણે સલાહ આપી છે કે શ્વાસ ચડવો કે છાતીમાં અસ્વસ્થતા જેવા લક્ષણોને માત્ર ગભરાટ ગણીને અવગણવા ન જોઈએ, પરંતુ કોઈપણ નિર્ણય પર પહોંચતા પહેલાં યોગ્ય તબીબી તપાસ કરાવી લેવી અનિવાર્ય છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના તાજેતરના અહેવાલ અનુસાર, માનસિક સ્વાસ્થ્ય ઓપીડીમાં દર્દીઓની સંખ્યામાં મોટો ઉછાળો નોંધાયો છે. એપ્રિલથી જૂન ૨૦૨૪ દરમિયાન ૩૩.૮૯ લાખ દર્દીઓ નોંધાયા હતા, જે જાન્યુઆરીથી માર્ચ ૨૦૨૫ દરમિયાન વધીને ૪૦.૨૭ લાખ સુધી પહોંચી ગયા હતા. બીજી તરફ, વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ મુજબ વૈશ્વિક સ્તરે આશરે ૪૭ કરોડ લોકો વિવિધ પ્રકારની ચિંતા અને તણાવની બીમારીઓથી પીડાઈ રહ્યા છે. તબીબો ભારપૂર્વક જણાવે છે કે જીવનશૈલીમાં સંતુલન જાળવવું, પૂરતી ઊંઘ લેવી અને માનસિક અસ્વસ્થતા જણાય ત્યારે સંકોચ રાખ્યા વિના તબીબી સલાહ લેવી ખૂબ જ જરૂરી છે.

LATEST ARTICLES