JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
રાજકારણ

તમિલનાડુમાં રૂ. ૧૪૨૭ કરોડના ગેરકાયદે રેતી ખનન કૌભાંડમાં ડીએમકે નેતા દુરાઈમુરુગન સામે એફઆઈઆર દાખલ

તમિલનાડુમાં રૂ. ૧૪૨૭ કરોડના ગેરકાયદે રેતી ખનન કૌભાંડમાં ડીએમકે નેતા દુરાઈમુરુગન સામે એફઆઈઆર દાખલ
તમિલનાડુમાં એન્ટી કરપ્શન બ્યુરો (DVAC) દ્વારા રાજ્યની તિજોરીને રૂ. ૧૪૨૭.૩૪ કરોડનું નુકસાન પહોંચાડવાના એક મોટા રેતી ખનન કૌભાંડમાં પૂર્વ મંત્રી અને ડીએમકે નેતા દુરાઈમુરુગન તેમજ અનેક સરકારી અધિકારીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી રાજકીય ક્ષેત્રે ભારે ખળભળાટ મચી ગયો છે.

ચેન્નઈમાં ડિરેક્ટોરેટ ઓફ વિજીલન્સ એન્ડ એન્ટી કરપ્શન (DVAC) દ્વારા ગત ૫ નવેમ્બરના રોજ નોંધવામાં આવેલી એફઆઈઆરમાં ભૂતપૂર્વ જળ સંસાધન મંત્રી દુરાઈમુરુગન ઉપરાંત ૧૬થી ૧૭ સેવારત તથા નિવૃત્ત સરકારી અધિકારીઓ, ખાનગી કોન્ટ્રાક્ટરો અને કોર્પોરેટ સંસ્થાઓને આરોપી તરીકે સામેલ કરવામાં આવ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા આપવામાં આવેલા પત્ર અને દસ્તાવેજી પુરાવાઓના આધારે આ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. ડીએમકેના આ દિગ્ગજ નેતા અને અન્ય આરોપીઓ પર સત્તાનો દુરુપયોગ કરી સરકારી તિજોરીને મોટો ચૂનો લગાવવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે.

તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, આરોપીઓએ એક મંડળી બનાવીને ટેન્ડર પ્રક્રિયામાં ચેડાં કર્યા હતા અને સરકારી નિયમો નેતાને આધીન રહીને તોડ્યા હતા. સ્પર્ધાને મર્યાદિત કરવા માટે મોટા કોન્ટ્રાક્ટ્સને નાના હિસ્સામાં વહેંચી દેવામાં આવ્યા હતા અને મર્યાદિત ટેન્ડરો દ્વારા પોતાના માનીતા ખાનગી પક્ષકારોને કામો ફાળવવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૪ દરમિયાન મંજૂર કરાયેલી ખનન યોજનાઓની મર્યાદા વટાવીને નદીઓમાંથી બેફામ ગેરકાયદે રેતીનું ઉત્ખનન કરવામાં આવ્યું હતું. ગેરકાયદે પરિવહનને છુપાવવા માટે ખોટા વાઉચર્સ અને પરમિટ સ્લિપ તૈયાર કરીને મોટા પાયે નાણાકીય ગોટાળા આચરવામાં આવ્યા હતા.

માત્ર ચાર જ સ્થળો - એચામ્બાડી, કંધાનેરી, માધવપરુમાલ કોઇલ અને ઓરુવાનથૂરની ચકાસણી કરવામાં આવતા અંદાજે ૧,૪૨,૭૩,૪૨૪ યુનિટ એટલે કે ૪,૦૩,૯૩,૭૯૦ ઘન મીટર રેતીનું ગેરકાયદે ખનન પકડાયું હતું, જેનાથી રાજ્ય સરકારને રૂ. ૧૪૨૭.૩૪ કરોડનું નુકસાન થયું છે. આ આડેધડ ખનનને કારણે ભૂગર્ભ જળસ્તરમાં ઘટાડો થવો, કુવાઓ સૂકાઈ જવા અને જળચર તથા નદીકાંઠાની ઇકોસિસ્ટમને ભારે નુકસાન પહોંચવા જેવી ગંભીર પર્યાવરણીય સમસ્યાઓ સર્જાઈ હોવા છતાં આરોપીઓએ પોતાની લાલચ છોડી નહોતી. આ મામલે ડીએમકે નેતા અને અન્ય સંડોવાયેલા લોકોના ઠેકાણાઓ પર તાજેતરમાં જ દરોડાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.

રાજકારણ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES