JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

અમેરિકા અને ઈરાન વચ્ચે ગુપ્ત રીતે રોજિંદા હુમલાનો સિલસિલો યથાવત, પેન્ટાગોન દ્વારા કાર્યવાહી ગુપ્ત રખાઈ

અમેરિકા અને ઈરાન વચ્ચે ગુપ્ત રીતે રોજિંદા હુમલાનો સિલસિલો યથાવત, પેન્ટાગોન દ્વારા કાર્યવાહી ગુપ્ત રખાઈ
મિડલ ઈસ્ટમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે જ્યાં અમેરિકા અને ઈરાન વચ્ચે લગભગ દરરોજ સૈન્ય હુમલાની આપ-લે થઈ રહી છે. જો કે, પેન્ટાગોન દ્વારા આમાંના મોટાભાગના મિલિટરી ઓપરેશન્સને સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી રહ્યા નથી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકા અને ઈરાન વચ્ચે લાંબા સમયથી ગુપ્ત અને પ્રત્યક્ષ સૈન્ય સંઘર્ષ ચાલી રહ્યો છે, જેમાં ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકી નૌકાદળના જહાજો, સૈન્ય મથકો અને વેપારી ટેન્કરોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. જવાબમાં અમેરિકી દળો પણ ઈરાની ડ્રોન અને મિસાઇલોને હવામાં જ તોડી પાડવાની સાથે ઈરાનની અંદર આવેલા મિસાઇલ લોન્ચર્સ પર વળતા હુમલા કરી રહ્યા છે. તાજેતરની ઘટનામાં, બહેરીનમાં અમેરિકી રડાર સિસ્ટમ પર ઈરાની ડ્રોન હુમલાના પ્રયાસ બાદ અમેરિકી ફાઈટર જેટ્સે ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના મિસાઇલ લોન્ચ સાઈટને નિશાન બનાવીને હુમલો કર્યો હતો. જો કે, આ તમામ સૈન્ય ગતિવિધિઓ પાછળ અમેરિકાને દરરોજ લાખો ડોલરનો ખર્ચ થઈ રહ્યો છે અને હાલ મિડલ ઈસ્ટમાં ૫૦,૦૦૦થી વધુ અમેરિકી સૈનિકો તેમજ બે એરક્રાફ્ટ કેરિયર સ્ટ્રાઇક ગ્રુપ તૈનાત કરવામાં આવ્યા છે.

અમેરિકી પ્રશાસન દ્વારા આ સૈન્ય કાર્યવાહીઓમાંથી મોટાભાગની ઓપરેશન્સને સત્તાવાર રીતે સ્વીકારવામાં આવી નથી. વોલ સ્ટ્રીટ જર્નલ અને એસોસિએટેડ પ્રેસના અહેવાલો મુજબ, અમેરિકી દળોએ કવેશમ ટાપુ પર આવેલા ઈરાની એર ડિફેન્સ સિસ્ટમ અને ડ્રોન લોન્ચિંગ સાઈટ્સ પર ગુપ્ત રીતે હવાઈ હુમલા કર્યા છે. વ્હાઇટ હાઉસ અને પેન્ટાગોને આ તાજેતરના અહેવાલો પર કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે, જ્યારે સ્ટેટ સેક્રેટરી માર્કો રુબિઓએ આ કાર્યવાહીઓનો બચાવ કરતા જણાવ્યું હતું કે અમેરિકા માત્ર બચાવત્મક પગલાં ભરી રહ્યું છે. બીજી તરફ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ સંઘર્ષ અંગે મિશ્ર નિવેદનો આપી રહ્યા છે, જેમાં તેમણે ક્યારેક યુદ્ધ સમાપ્ત થયાની જાહેરાત કરી છે તો ક્યારેક આ લડાઈનો જલ્દી અંત લાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

દરમિયાન, ઈરાન તરફથી પણ પર્શિયન ગલ્ફ અને હોર્મુઝ સ્ટ્રેટમાં વ્યાપારી જહાજોને નિશાન બનાવવાનું ચાલુ રાખવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય દરિયાઈ એજન્સીઓના આંકડાઓ અનુસાર, ઓક્ટોબર મહિનાથી ટેન્કરો પરના હુમલાઓમાં નોંધપાત્ર વધારો થયો છે જે યુદ્ધની શરૂઆત પછીના સૌથી ઉચ્ચ સ્તરે પહોંચ્યા છે. સામાન્ય રીતે તેહરાન જહાજો પરના હુમલાઓની જવાબદારી સ્વીકારતું નથી, પરંતુ દરિયાઈ ક્ષેત્રમાં વધતી અસલામતી અને દૈનિક ધોરણે થતા આ હુમલાઓ વૈશ્વિક વેપાર અને સુરક્ષા માટે મોટો પડકાર બની રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા આ ગુપ્ત સૈન્ય સંઘર્ષને કારણે મિડલ ઈસ્ટમાં અનિશ્ચિતતા અને તણાવનું વાતાવરણ વધુ ઘાતક બનતું જઈ રહ્યું છે.

દેશ-વિદેશ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES